ચૂંટણી ઢંઢેરાનો અમલ થશે તો રાજકોષિય શિસ્ત લથડશે

નવી દિલ્હી, તા. 08 એપ્રિલ, 2019, શુક્રવાર

લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પક્ષ (ભાજપ) તથા કોન્ગ્રેસ દ્વારા જારી કરાયેલા ચૂંટણી ઢંઢેરામાં અપાયેલા વચનો લોકપ્રિય પગલાં છે અને તેના અમલથી દેશની રાજકોષિય શિસ્તતા જોખમાશે એમ મોટાભાગના આર્થિક વિશ્લેષકોનું માનવું છે.

આ વચનો એવા સમયે આવી પડયા છે જ્યારે દેશમાં આ વર્ષે નબળા ચોમાસાની આગાહી કરવામાં આવી છે. નબળા ચોમાસાની સ્થિતિમાં દેશમાં અર્થતંત્રમાં ફુગાવાજન્ય દબાણ ઊભું થશે. 

કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં લઘુત્તમ આવકની ખાતરીની સ્કીમ જાહેર કરી છે એટલું જ નહીં સાથોસાથ ખેડૂતોની લોનમાફી અને શિક્ષણ તથા આરોગ્યસંભાળના બજેટમાં વધારો કરવાનું વચન આપ્યું છે, જ્યારે બીજી બાજુ દેશની રાજકોષિય ખાધ જીડીપીના ૩ ટકા પર રાખવાનો હેતુ વ્યકત કરાયો છે. 

આવી સ્થિતિમાં જાહેર મૂડી ખર્ચ પર કાપ મૂકવો પડે અથવા તો વેરા દર ઊંચે લઈ જવા જેવા પગલાં લેવાની ફરજ પડી શકે છે, જે ચૂંટણી ઢંઢેરાથી વિપરીત સાબિત થશે, એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. બીજી બાજુ ભાજપ દ્વારા તેના ચૂંટણી ઢંઢેરામાં ૨૦૩૦ સુધીમાં ભારતને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા ઉપરાંત નાના અને સામાન્ય ખેડૂતોને પેન્શન પૂરા પાડવાનું વચન આપ્યું છે. જ્યારે ચોમાસુ નબળું રહે છે ત્યારે રાજકોષિય સ્થિતિ પર દબાણ માની શકાય પરંતુ લોકપ્રિય ખર્ચાઓ થકી ઊભા કરાતા દબાણ સામે અર્થતંત્રને ટકાવી રાખવાનું મુશકેલ બને છે એમ અન્ય એક વિશ્લેષકે જણાવ્યું હતું.

પીઅમે કિસાન યોજનાને વિસ્તારીને તેમાં દરેક ખેડૂતોને આવરી લેવાની જાહેરાતનો અમલ દેશની તિજોરી ુપર રૂપિયા બે ટ્રિલિયનનો બોજો લાદશે જ્યારે કોંગ્રેસની લઘુત્તમ આવક યોજનાના અમલથી રૂપિયા ૩.૬૦ ટ્રિલિયનનો બોજો આવી પડશે. 

મતદાતાઓને આકર્ષવા રાજકીય પક્ષો લોકપ્રિય પગલાંઓ જાહેર કરવાની સ્પર્ધામાં હોય તેવું જણાય છે, પરંતુ આ પગલાંઓ રાજકોષિય સ્થિતિ માટે ચિંતાજનક સાબિત થશે જેને નજરમાં રાખવું રહ્યું એમ તેમણે ઉમેર્યું હતું. જો કે શેરબજારને રાજકોષિય શિસ્તતાની ચિંતા કરતા વધુ ચિંતા સ્થિર સરકારની રહેલી છે. બજાર સ્થિર સરકાર આવે એમ અપેક્ષા રાખી રહ્યું છે. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2FXdNlR
via Latest Gujarati News

Post a Comment

0 Comments