૧૯૬૯માં કોંગ્રેસના ભાગલા પડતા ઇન્દિરા યુગની શરુઆત થઇ હતી


આઝાદીની ચળવળમાં ભાગ લેનારા કોંગ્રેસ પક્ષના ઇસ ૧૯૬૯માં ભાગલા પડયા હતા. આ ભાગલા પછી દેશમાં ઇન્દિરા યુગની શરુઆત થઇ હતી. જવાહરલાલ નેહરુ હતા ત્યાં સુધી કોંગ્રેસ પક્ષમાં સમુસૂતરુ ચાલ્યું હતું. ૧૯૬૫માં ભારત પાકિસ્તાનના યુધ્ધ પછી રશિયાના તાશ્કંદ ખાતે વડાપ્રધાન લાલ બહાદુરશાસ્ત્રીનું અવસાન થતા નેહરુના દિકરી ઇન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન બન્યા હતા. શરુઆતમાં તેમનું શાંત અને પ્રતિક્રિયા વગરનું વર્તન જોતા તેમને વિરોધીઓ ગુંગી ગુડિયા કહેતા હતા. સરકાર ચલાવવાની જવાબદારી ઇન્દિરા ગાંધી પાસે હતી.જયારે કોંગ્રેસ પક્ષના સંગઠનની જવાબદારી  સિન્ડિકેટ તરીકે પ્રખ્યાત કામરાજ, મોરારજી દેસાઇ, એસ નિજલિંગપ્પા, સદોબા પાટિલ અને અતુલ્ય ઘોષ સંભાળતા હતા. 

વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આ સિન્ડિકેટને અવણવાનું શરુ કરતા કોંગ્રેસ પક્ષમાં જ આ ઘોષિત યુધ્ધ શરુ થયું હતું. ઇન્દિરા ગાંધી એ સમયે કોંગ્રેસની નવી પેઢીમાં ગણાતા હતા. જયારે આઝાદીની ચળવળમાં ભાગ લઇ ચૂકયા હોય તેવા અનેક પીઢ નેતાઓ પણ પક્ષમાં હતા. ઇન્દિરા ગાંધીની નીતિ રીતિને કોંગ્રેસમાં વર્ષોથી પ્રસ્થાપિત થયેલા આ વડિલો અને મોટેરાઓ સાંખી લે તેમ ન હતા. તેના કારણે ઇન્દિરા ગાંધી અને સિન્ડિકેટ નેતાઓ વચ્ચે તિવ્ર મતભેદો વખતો વખત સપાટી પર આવતા હતા. ઇન્દિરા ગાંધીની સ્વતંત્ર પ્રકૃતિ જોતા તેઓ આ કહેવાતી સિન્ડિકેટનો પડતો બોલ ઝીલીને મુંગા મોઢે સહન કરી લે તે શકય ન હતું.

૧૯૬૭માં રાષ્ટ્રપતિની ચૂંટણીના સમયે કોંગ્રેસ પક્ષે નીલમ સંજીવ રેડીને પોતાના ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા હતા. કોંગ્રેસના આ નિર્ણયને ઇન્દિરા ગાંધીએ માનવાનો ઇન્કાર કરીને પોતાની કેબીનેટમાંથી વીવી ગીરીને રાજીનામું અપાવીને  અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રાખીને ટેકો જાહેર કર્યો હતો. આ રીતે વીવી ગીરી કહેવાના જ અપક્ષ ઉમેદવાર હતા. કોંગ્રેસની સિન્ડિકેટે ઉભા રાખેલા કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર નિલમ સંજીવ રેડ્ડીની હાર થઇ હતી. જયારે ઇન્દિરા ગાંધીએ અપક્ષ ઉભા રાખેલા ઉમેદવાર વીવી ગીરી રાષ્ટ્રપતિ બન્યા હતા. રાષ્ટ્પતિના ઇલેકશન પછી કોંગ્રેસમાં ઇન્દિરા વિરોધીએ અને સમર્થકો સામ સામે હતા.


છેવટે  ઇન્દિરા ગાંધીએ પક્ષમાં બળવો કરીને તેમના વિરોધીઓને પડકાર્યા હતા. ઇન્દિરાએ પક્ષ સાથે છેડો ફાડીને પોતાના કોંગ્રેસ પક્ષની સ્થાપના કરી હતી. જે પછીથી કોંગ્રેસ (આઇ) તરીકે ઓળખાયો હતો. જયારે સદાશિવ નિજલિગપ્પાના નેતૃત્વમાં ઇન્દિરા ગાંધીથી છુટા પડેલા કામરાજ, મોરારજી દેસાઇ અને સદોબા પાટિલ જેવા નેતાઓએ પોતાનો અલગ પક્ષ સ્થાપ્યો જે સંસ્થા કોંગ્રેસ તરીકે જાણીતો બન્યો હતો. ઇન્દેરા ગાંધીના વિરોધ કરી રહેલા નેતાઓએ પોતાની કોંગ્રેસ જ સાચી એવો દાવો કર્યો હતો. ત્યાર પછી લોકસભા અને વિવિધ રાજયોની ચૂંટણીઓમાં સંસ્થા કોંગ્રેસ અને ઇન્દિરા કોંગ્રેસે સામ સામે ઉમેદવારો ઉભા રાખતા હતા. 

ગુજરાતમાં ૧૯૭૨માં યોજાયેલા વિધાનસભા ઇલેકશનમાં સંસ્થા કોંગ્રેસે પણ મોટા ભાગની બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. ચાર થી પાંચ વર્ષ સંસ્થા કોંગ્રેસનું અસ્તિત્વ રહયું તે પછી એક પછી એક નેતાઓ છુટા પડયા હતા. ઇન્દિરા ગાંધીએ સરકાર અને કોંગ્રેસ પક્ષમાં પોતાના વફાદારો ઉભા કર્યા હતા. જેમાં બી ચૌહાણ, બાબુ જગજીવનરામ, વીવી ગીરી, કરનસિંહ, સરદાર સુવર્ણસિંહ, મોહનલાલ સુખડિયા, શ્યામાચરણ શુકલ, વિધાચરણ શુકલ,પીવી નરસિંહરાવ, કમલાપતિ ત્રિપાઠી,એ આર અંતુલે અને ડીપી મિશ્ર જેવા અનેક ધુરંધરોનો સમાવેશ થતો હતો. મધ્યપ્રદેશના ડીપી મિશ્ર ઇન્દિરા ગાંધીના વિશ્વાસું, વગદાર ,સલાહકાર અને ચાણકય કહેવાતા હતા.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OIaiUu
via Latest Gujarati News

Post a Comment

0 Comments