
ભારતની ચીન સામેની લશ્કરી નીતિમાં ફેરફાર જરૂરી : હુડાએ કોંગ્રેસને રીપોર્ટ આપ્યો
નવી દિલ્હી, તા.8 એપ્રિલ, 2019, સોમવાર
કોંગ્રેસના રાષ્ટ્રીય સુરક્ષા એક્સપર્ટ અને નિવૃત્ત આર્મી કમાન્ડર જનરલ ડીએસ હુડાએ ૪૧ પાનાનો રાષ્ટ્રીય સુરક્ષા અહેવાલ તૈયાર કરીને કોંગ્રેસને આપ્યો હતો. એમાં ભારતની લશ્કરી વ્યૂહરચના વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી.
૨૦૧૬ની સર્જિકલ સ્ટ્રાઈકના હીરો લશ્કરી અધિકારી ડીએસ હુડાએ અહેવાલમાં જણાવ્યું હતું કે કાશ્મીર ઘાટીમાં છેલ્લાં ૬ વર્ષમાં હિંસા ખૂબ વધી છે. કાશ્મીરીઓમાં ભારતીય સુરક્ષાતંત્ર પ્રત્યે રોષ વધ્યો છે. તેના ઉકેલ માટે લાંબાંગાળની વ્યૂહરચના અમલી બનાવવી પડશે.
આ પૂર્વ લશ્કરી અધિકારી અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના સુરક્ષા સલાહકાર હુડાએ અહેવાલમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ ઉપરાંત ચીની સરહદે ચીની લશ્કરના વધતા સંખ્યાબળ અંગે પણ સૂચનો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભારતે ચીન લશ્કર તરફની વર્તમાન લશ્કરી નીતિમાં ફેરફાર કરવો જરૃરી છે. ચીનને લશ્કરી ઉપરાંત આર્થિક મોરચે પણ વ્યૂહાત્મક રીતે ઘેરવું પડશે અને પાકિસ્તાની લશ્કરને પણ તેની ભાષામાં જવાબ આપવાની સાથે સાથે કાશ્મીરના આતંકવાદનો સંપૂર્ણ નાશ કરવાની દિશામાં કાયમી ધોરણે ઉકેલ લાવવો દેશહિતમાં છે.
આ પૂર્વ લશ્કરી અધિકારીએ દેશના લશ્કરને મળતી અસુવિધા બાબતે પણ દિશાનિર્દેશ કર્યો હતો. તેમણે એ તરફ અહેવાલમાં ધ્યાન દોર્યું હતું કે અત્યારે સૈન્ય પાસે જૂની-પુરાણી બંદૂકો છે અને જૂના-પૂરાણા લશ્કરી સાધનો છે, તે બદલવા જોઈએ અને તેમને વધુ આધુનિક સુવિધાથી સજ્જ કરવા પડશે. સબમરીનની સંખ્યા વધારવાથી લઈને આર્મીને નવી ગન આપવા સુધીની પહેલ કરવા તરફ ધ્યાન આપીને વિશેષ બજેટ ફાળવવાનું સૂચન તેમણે ૪૧ પાનાના અહેવાલમાં કોંગ્રેસ કમિટિને કર્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2P10i9a
via Latest Gujarati News
0 Comments