
(પીટીઆઈ) શાહજહાંપુર, તા.8 એપ્રિલ, 2019, સોમવાર
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં લોકસભા ચૂંટણીના એક ઉમેદવારે નામાંકન પત્ર ભરવા માટે એક વિચિત્ર રસ્તો અપનાવ્યો હતો. લોકસભા ચૂંટણી માટે સંયુક્ત વિકાસ પાર્ટીના ઉમેદવાર અને વ્યવસાયે વૈધ રાજ કિશન વરરાજાના વેશમાં બેન્ડવાજાના તાલે ઘોડી પર બેસીને ઉમેદવારી માટે નામાંકન પત્ર ભરવા નીકળ્યા હતા.
લગ્ન ગાળો ન હોવા છતા આ રીતે જાન નીકળતી જોઈને લોકોમાં આશ્ચર્ય વ્યાપ્યું હતું અને જ્યારે સાચા કારણની ખબર પડી તો અનેક લોકો તેને જોવા માટે ઉભા રહી ગયા હતા.
જો કે ધામધૂમથી નામાંકન પત્ર ભરવા નીકળેલા કિશનને આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ પોલીસે રસ્તામાં રોકીને ઘોડી પરથી ઉતરવા સૂચના આપી હતી તથા બેન્ડવાજા અને જાનૈયાઓને આગળ જતા રોક્યા હતા. કિશનના જણાવ્યા મુજબ તે રાજકારણનો જમાઈ છે અને આઠ એપ્રિલે તેના લગ્નની વર્ષગાંઠ હોવાથી તે વરરાજા બનીને નામાંકન કરાવવા પહોંચ્યો હતો.
હકીકતે આઠ એપ્રિલ કિશનના લગ્નની વર્ષગાંઠ હોવાથી તેણે આ તારીખ પસંદ કરી હતી અને ચૂંટણીમાં વિજય રુપે દુલ્હન તેમને બાદમાં મળશે તેમ જણાવ્યું. કિશને અગાઉ ૧૮ વખત ચૂંટણી લડેલી છે અને ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી વખતે તે નનામી(અર્થી) પર બેસીને તથા તેના અગાઉ ભેંસ ગાડીમાં સવાર થઈને નામાંકન ભરવા પહોંચ્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2P0av5n
via Latest Gujarati News
0 Comments