
મુંબઇ, તા. 14 એપ્રિલ 2019, રવિવાર
ચોમાસાના આગમન આડે હજુ ઘણા દિવસો છે ત્યારે દુષ્કાળગ્રસ્ત મરાઠવાડાનાં જળાશયોમાં પાણીનો જથ્થો સાવ ઘટી રહ્યો હોવા સાથે પરિસ્થિતિ કારમી બનતી જવાના સંકેતો મળે છે. આ વિસ્તારનાં જળાશયોમાં માત્ર ૫.૫ ટકા જેટલો જ પાણીનો જથ્થો છે અને સૌથી મોટા જાયકવાડી બંધ સહિતનાં અનેક જળાશયો સાવ નપાણિયાં થઈ ગયાં છે.
ગયા વર્ષે સરેરાશથી પણ ઓછો વરસાદ થતાં રાજ્ય સરકારે ઓક્ટોબરમાં ૨૬ જિલ્લાના ૧૫૧ તાલુકામાં દુષ્કાળ હોવાનું જાહેર કર્યું હતું. દુષ્કાળની કારમી અસર પામેલા વિસ્તારોમાં મરાઠવાડાના આઠ જિલ્લાનો પણ સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં મોટેભાગે ખેતીવાડીની જમીન છે.
મરાઠવાડાનાં નવ મોટાં જળાશયો પૈઠણ (જાયકવાડી), માંજરા, માજલગાંવ, યેલ્દારી, સિધ્ધેશ્વર, લોઅર માનાર, લોઅર તેરણા, લોઅર દુષના અને સિના કોલેગાંવમાં માત્ર ૦.૭ ટકા પાણી જ બચ્યું છે. આ પૈકી નાંદેડ ખાતેના લોઅર માનારમાં ૨૦.૬૩ ટકા જેટલું જ પાણી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના એપ્રિલમાં આ જળાશયોમાં ૪૦ ટકાથી અધિક પાણી હતું. આ ઉપરાંત, મરાઠવાડામાં ૮૧ મધ્યમ અને ૮૩૮ લધુ જળાશયો છે. તેમાં પણ અનુક્રમે ૧૦.૨૭ ટકા અને ૧૦.૨૧ ટકા પાણી બચ્યું છે.
ગરમી વધવા સાથે જળાશયોનાં પાણીનું બાષ્પીભવન વધશે. પાણીની અછત વધુ તીવ્ર બનવાની ધારણા છે. મહારાષ્ટ્ર સરકારે હવે મરાઠવાડાનાં નપાણીયાં ગામડામાં લગભગ ૨,૧૮૫ ટેન્કરો દ્વારા પીવાનું પાણી દરરોજ પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. દુષ્કાળની કટોકટીને પહોંચી વળવા સરકારે તમામ જિલ્લા કલેકટરોને તેમના સ્તરે નિર્ણયો લેવાની સાતા આપી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KE5ZLH
via Latest Gujarati News
0 Comments