સોનાની દાણચોરીને લોકસભાની ચૂંટણીના કારણે લાગેલું ગ્રહણ

મુંબઈ, તા. 15 એપ્રિલ, 2019,સોમવાર

હાલમાં લોકસભાની  ચૂંટણીને ટાણે રોકડ, સોનાચાંદી, શરાબ તથા કેફીદ્રવ્યની સસાથોસાથ પોતાનું સોનું પણ જપ્ત થઈ જશે એવા ભયે દેશના ગોલ્ડના દાણચોરોએ હાલમાં સોનાની દાણચોરી ઘટાડી દીધી હોવાનું જોવા મળી રહ્યું છે. 

ભારતમાં રાજકીય પક્ષો અને તેમના કાર્યકરો, મતો મેળવવા માટે મતદારોને રોકડ તથા અન્ય ચીજવસ્તુઓની લાલચ આપતા હોય છે. હાઈવે ચેકપોઈન્ટ પર આવા માલસામાનને પકડી પાડવા ચૂંટણી પંચ ચાંપતી દેખરેખ રાખે છે. 

લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ ગયા મહિને મુંબઈમાં, ડીઆરઆઈએ રૂપિયા ૩૦ કરોડની કિંમતનું ગોલ્ડ પકડી પાડયું હતું. જોકે ત્યારબાદ ગોલ્ડ જપ્તિમાં ઘટાડો નોંધાયો છે. દાણચોરી અટકી પડતા બેન્કો દ્વારા ગોલ્ડ મંગાવવાની માત્રામાં વધારો થયો છે. દાણચોરો હાલમાં કોઈ જોખમ લેવા માગતા નથી એમ ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું. 

૧૪ એપ્રિલ સુધીમાં ભારતના ચૂંટણી પંચે, ૩૬.૫૦ કરોડ ડોલરની મૂલ્યની રોકડ, ગોલ્ડ, દારૂ, કેફીદ્રવ્ય તથા અન્ય માલસામાન પકડી પાડયો હતો. જે ૨૦૧૪ની આખી ચૂંટણી દરમિયાન ૧૭.૨૦ કરોડ ડોલરની કરાયેલી જપ્તિથી બમણી જપ્તિ છે. 

ચૂંટણી પંચ દ્વારા કરાતા ગમે ત્યારે ચેકિંગને કારણે દાણચોરો માટે રોકડ તથા ગોલ્ડની હેરાફેરી કરવાનું મુશકેલ બની ગયું છે, જેને કારણે અમારો ગોલ્ડ વેપાર છેલ્લા કેટલાક સપ્તાહથી વધી ગયો છે એમ એક બેન્કરે જણાવ્યું હતું. 

ચૂંટણી પંચના નિયમ પ્રમાણે, રૂપિયા ૫૦,૦૦૦થી વધુની રોકડની હેરફેર કરવા માટે માન્ય પુરાવા રજુ કરવાના રહે છે અન્યથા તે જપ્ત કરી લેવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે ૨૦૧૮માં  ૯૫ ટન ગોલ્ડની દાણચોરી થઈ હતી. 

ચૂંટણી પંચના નિર્ણયને કારણે જ્વેલરી ઉદ્યોગને મુશકેલી પડી રહી છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ગોલ્ડનો પચાસ ટકાથી વધુ વ્યવહાર રોકડમાં થાય છે. ગોલ્ડના હાલના ભાવ જોતા રૂપિયા ૫૦,૦૦૦ની મર્યાદા ગોલ્ડ ઉદ્યોગ માટે ઘણી જ ઓછી કહેવાય એમ એક સ્થાનિક ટ્રેડરે જણાવ્યું હતું.

રોકડની મર્યાદાને કારણે ગોલ્ડની માગ પણ ઘટી ગઈ હોવાનો તેમણે દાવો કર્યો હતો. એકતરફ લગ્નસરાની મોસમ શરૂ થવાની તૈયારીમાં છે અને અખાત્રીજનો પણ શુભદિવસ નજીક આવી રહ્યો છે, પરંતુ આ સમયે ગોલ્ડની ખરીદી પર ચૂંટણીનું  ગ્રહણ લાગવાની પૂરી સંભાવના છે.  



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PdIwiX
via Latest Gujarati News

Post a Comment

0 Comments