
નવી દિલ્હી, તા.5 એપ્રિલ, 2019, શુક્રવાર
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે ગાઝિયાબાદમાં ભાષણ આપતા જણાવ્યું હતું કે જે લોકો લોકશાહીનો નાશ કરવા માગે છે તે ઇચ્છે છે કે તમામ સત્તા તેમની જ પાસે જ હોય છે તમારા હાથોમાં ન હો. જ્યાં ખેડૂતને પીડાઓ સહન કરવી પડે છે ત્યાં લોકતંત્ર નથી.
તેમણે વડાપ્રધાન મોદીને વારંવાર નેહરૃ-ગાંધી પરિવાર પર કરવામાં આવતા હુમલા અંગે જણાવ્યું છે કે તે પાંચ વર્ષની એક પણ સિદ્ધિ ગણાવી શકતા નથી પરંતુ મારા પરિવારને નિશાન બનાવે છે. વારંવાર કહે છે કે નેહરૃ આ કર્યુ, ઇન્દિરાએ આ કર્યુ, મોદીજી તમે બતાવો કે તમે શું કર્યુ?
પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે આ સરકાર ભૂલી ગઇ છે કે સત્તા આપનાર પ્રજા છે.આ સરકાર તમને ભૂલી ગઇ છે. આ સરકાર પોતાને ખૂબ જ સક્ષમ ગણે છે પણ તે પ્રજાની અવાજ સાંભળી શકતી ન હોવાથી તે સૌથી નિર્બળ છે.
પ્રિયંકા ગાંધીએ ગાઝિયાબાદથી કોંગ્રેસના ઉમેદવાર ડોલી શર્માના પ્રચાર માટે આજે એક રોડ શોનું આયોજન કર્યુ હતું. તેમણે આ રોડ શોની શરૃઆત ઘંટાઘરથી કરી હતી. તેમણે આ રોડ શોની શરૃઆત શહીદ ભગત સિંહની પ્રતિમાને માળા પહેરાવીને કરી હતી.
ભારે તડક હોવા છતાં પ્રિયંકા ગાંધીના રોડ શોમાં અનેક લોકોએ ભાગ લીધો હતો. પ્રિયંકા ગાંધીએ મોદી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે તેમણે સમગ્ર વિશ્વનો પ્રવાસ કર્યો છે. જાપાન ગયા ત્યાં ભેટયા, પાકિસ્તાન જઇને બિરયાની ખાધી. ચીન જઇ ત્યાં ભેટી પડયા પણ શું વારાણસીમાં મોેદીને કોઇ ગરીબને ભેટતા જોયા છે?
ગાઝિયાબાદથી કોંગ્રેસ ઉમેદવાર ડોલી શર્માને મેયરમા ચૂંટણીમાં ૧,૨૦,૦૦૦ મતો મળ્યા હતા અને તે બીજા સ્થાને રહ્યાં હતાં. ડોલી શર્માના પિતા નરેન્દ્ર ભારદ્વાજ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ છે અને તેમના દાદા પણ કોંગ્રેસમાં હતાં.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2I4VnDk
via Latest Gujarati News
0 Comments