
(પીટીઆઇ) બિજિંગ, તા.21 એપ્રિલ, 2019, રવિવાર
આઇએનએસ કોલકત્તા સહિતના બે ભારતીય લડાકુ વહાણ, ચીનના નૌકાદળના કાફલાના સમીક્ષા કાર્યક્રમમાં ભાગ લેવા માટે ચીનના ક્વિંગદાવ બંદરે પહોંચી ગયા છે. કાર્યક્રમમાં નહિ જોડાનાર પાકિસ્તાની વહાણોની ગેરહાજરી આંખે ઉડીને નળગશે. ભારતનું આઇએનએસ કોલકત્તા ઘર આંગણે બનાવાયેલું સૌથી મોટું સ્ટેલ્થ ડિસ્ટ્રોયર વહાણ છે.
ચીનની પીપલ્સ લિબરેશન આર્મિ નેવી/ પ્લાના આગામી તા.૨૩ એપ્રિલે એનો ૭૦મો સ્થાપના દિવસ ઉજવશે, જેમાં વહાણોના કાફલાની ભવ્ય સમીક્ષા થશે. ભારત, રશિયા, થાઇલેન્ડ અને વિયેટનામ સહિતના ૧૦ દેશો, આ વહાણ પરેડમાં જોડાવા માટે એમના ૨૦ વહાણોને ચીનમાં મોકલી રહ્યાં છે.
ભારતે નિર્માણ કરેલા ત્રણ ડિસ્ટ્રોયરના નવા વર્ગના પ્રથમ વહાણ આઇએનએસ કોલકત્તાની સાથે ટેન્કર આઇએનએસ શક્તિને પણ ચીનમાં મોકલવામાં આવ્યું છે.
ચીનનું ખાસ દોસ્તી એવું પાકિસ્તાન, આ વહાણ પરેડમાં ભાગ લઇ રહ્યું નથી, પરંતુ એ દેશનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ક્વિંગદાવ બંદરે તા.૨૧-૨૬ એપ્રિલ દરમિયાન યોજાનારી ઉજવણીમાં જોડાશે. અત્રે જ્ઞાતવ્ય છે કે પાકિસ્તાન, ચીનનો સદાકાલીન સાથીદાર જ નહિ, પરંતુ ચીનના શસ્ત્રોનું સૌથી મોટું ગ્રાહક પણ છે. ચીન હમણાં પાકિસ્તન માટે અત્યંત આધુનિક ચાર નેવલ ફિગેટ બનાવી રહ્યું છે.
ભારતના કેપ્ટન આદિત્ય હારા જેની સાથે છે એ આઇએનએસ કોલકત્તામાં સુપરસોનિક બ્રહ્મોઝ મિસાઇલ અને સેન્સર પણ છે. એ હવા, સમુદ્ર અને પાણીની ઊંડાઇએથી થતા હુમલાને એક સાથે ખાળવાની શક્તિ ધરાવે છે.
કેપ્ટન શ્રીરામ અમુર પાસે આઇએનએસ શક્તિનું સુકાન છે. જ્યારે લડાકુ વહાણો દરિયામાં હોય ત્યારે એમને બળતણ અને દારૃગોળો પૂરો પાડવાનું કામ આ આઇએનએસ શક્તિ કરે છે. બંને વહાણો, સબમરિન- વિરોધી યુધ્ધની પરિસ્થિતિમાં શોધ અને બચાવ કામગીરી માટે મોટા હેલોકોપ્ટરોનું સંચાલન કરવા સક્ષમ છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gz873e
via Latest Gujarati News
0 Comments