નવી દિલ્હી, તા.11 એપ્રિલ, 2019, ગુરૂવાર
લોકસભાની ચૂંટણી માટે મતદાનના પહેલા જ દિવસે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના જીવને જોખમ હોવાની ફરિયાદ સામે આવી છે. એક રોડ શોમાં અચાનક રાહુલ ગાંધીના કપાળ પર લીલા કલરની લાઇટ જોવા મળી હતી.
સામાન્ય રીતે સ્નાઇપર ગનમાં આવતી આવી લીલી લાઇટ રાહુલના ચેહરા પર દેખાતા કોઇ તેને દુરથી નિશાન બનાવી રહ્યું હોવાની ભીતી કોંગ્રેસે વ્યક્ત કરી હતી. આ લીલા કલરની લેઝર લાઇટ રાહુલ ગાંધીના ચેહરા પર આવી ક્યાંથી તેને લઇને પણ અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, આ ઉપરાંત સમગ્ર ઘટનાની વીડિયો અને તસવીરો પણ સામે આવી હતી.
કોંગ્રેસે કેટલાક પુરાવા સાથે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો છે જેમાં એવો ભય વ્યક્ત કર્યો છે કે કોઇ સ્નાઇપર ગનથી દુરથી રાહુલ ગાંધીને નિશાન બનાવી રહ્યું હતું, આ અંગે તપાસ કરી યોગ્ય પગલા લેવામાં આવે. સાથે રાહુલના જીવને જોખમ હોવાનું પણ કહ્યું હતું.
બીજી તરફ સમગ્ર ઘટના બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એવો દાવો કર્યો હતો કે જે લેઝર લાઇટ રાહુલ ગાંધીના ચેહરા પર આવી રહી હતી તે શૂટિંગ કરી રહેલા કેમેરાની પણ હોઇ શકે છે. અથવા તો કોઇએ દુરથી જ રાહુલ પર લાઇટ કરી હશે.
ગૃહ મંત્રાલયના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના જીવને જોખમ હોવા અંગે ફરિયાદ મળી તે બાદ તાત્કાલીક એસપીજી પાસેથી રિપોર્ટ માગવામાં આવ્યો હતો. એસપીજીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું સુરક્ષામાં કોઇ ખામી નથી રહી.
જ્યારે બીજી તરફ સામે આવેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રાહુલ ગાંધીના ચેહરા પર સાત વખત આ લીલી લાઇટ જોવા મળી હતી. તેથી તેના કપાળને કોઇ બંદુકથી નિશાન બનાવી રહ્યું હોય તેવો ભય વ્યક્ત કરાયો હતો. જોકે એવા પણ રિપોર્ટ સામે આવી રહ્યા છે કે કોંગ્રેસના જ કોઇ કાર્યકર્તા કે સમર્થકના મોબાઇલની લાઇટ હોઇ શકે છે.
જોકે આ રીતે અચાનક રાહુલના ચેહરા પર બંદુકમાં હોય તેવી જ લીલી લાઇટ જોવા મળતા રાજકારણ ગરમાયું છે. અગાઉ એવા અહેવાલો હતા કે કોંગ્રેસે આ મામલે ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો છે જોકે બાદમાં કોઇ પત્ર ન લખ્યો હોવાની કોંગ્રેસે સ્પષ્ટતા કરી હતી.
આજની આધુનિક બંદુકોમાં દુરથી નિશાન લેવા માટે ગ્રીન લાઇટનો ઉપયોગ થતો હોય છે. સ્નાઇપર આ પ્રકારની બંદુકનો ઉપયોગ કરતા હોય છે જેમાં બહુ દુરથી પણ કોઇને નિશાન બનાવી શકાય છે. અને મોટા ભાગે માથાના ભાગે ગોળી મારતા હોય છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2D3TrH9
via Latest Gujarati News
0 Comments