મુંબઇ તા.20 એપ્રિલ 2019 શનિવાર
વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકાને જૈન ધર્મનેા પ્રથમ પરિચય કરાવનારા જૈન વિદ્વાન અને એક સમયે જૈન ધર્મના તપસ્વી સાધુ મહારાજ એવા ચિત્રભાનુ મહારાજ શુક્રવારે 19 એપ્રિલે મુંબઇમાં 97 વર્ષની પાકટ વયે કાળધર્મ પામ્યા હતા.
1922ના જુલાઇની 26મીએ રાજસ્થાનના પાલી જિલ્લાના તખ્તગઢ નામના નાનકડા નગરમાં પિતા છોગાલાલજી અને માતા ચુનીબાઇને ત્યાં રાજેન્દ્ર તરીકે જન્મેલા આ પુત્રે બેંગલોરમાં મનોવિજ્ઞાનના વિષયમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. માત્ર વીસ વર્ષની વયે 1942ના ફેબ્રુઆરીની છઠ્ઠીએ પાલીતાણામાં તેમણે જૈન ધર્મની દીક્ષા લઇને સાધુ થયા હતા. સાધુ થયા બાદ સતત અઢાર વર્ષ સુધી 30 હજાર માઇલની પદયાત્રા કરીને જૈન ધર્મનો પ્રચાર આદર્યો હતો. ત્યારબાદ તેમને એવો વિચાર આવ્યો હતો કે વિદેશોમાં પણ જૈન ધર્મનો પ્રચાર થવો જોઇએ. એટલે સેંકડો વર્ષની પદયાત્રાની પરંપરા ત્યજીને 1971માં તેઓ અમેરિકા ગયા હતા. ત્યાં અનેક સભાઓ સંબોધીને જૈન ધર્મનો સંનિષ્ઠ પ્રચાર કર્યો હતો. વિદેશોમાં સિત્તેરથી વધુ દહેરાંસરોની પ્રતિષ્ઠા કરાવી હતી. મનોવિજ્ઞાનના ઊંડા અભ્યાસરી હોવાથી એ સતત સાધનામાં રહેતા.
સાધનાના એક તબક્કે તેમણે લાંબા સમય સુધી મૌન સેવ્યું હતું. એક તબક્કે સત્ય સમજાતાં તેમણે સાધુત્વનો ત્યાગ કર્યો હતો અને સંસારી વસ્ત્રો ફરી ધારણ કર્યા હતા. જોકે સંસારમાં પુનઃ પ્રવેશ છતાં જૈન ધર્મનો પ્રચાર તેમણે ચાલુ રાખ્યો હતો અને ઠેર ઠેર શાકાહારી સોસાયટી સ્થાપી હતી.
ભગવાન મહાવીરના 2000મા જન્મદિન નિમિત્તે દેશવિદેશમાં જે ભવ્યોત્તમ ઊજવણી થઇ ત્યારે તેમણે રચેલા એક ભક્તિગીતને ફિલ્મોદ્યોગના સૌથી સફળ ગણાતા જૈન સંગીતકાર બંધુ કલ્યાણજી આનંદજીએ સ્વરબદ્ધ કર્યું હતું અને પ્લેબેક સિંગર મૂકેશે એ ભક્તિગીત ગાયું હતું જેની લાખ્ખો નકલ વેચાઇ હતી. એ ભક્તિ ગીત એટલે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે...
ચાહકો અને અનુયાયીઓમાં પૂજ્ય ગુરુદેવ તરીકે જાણીતા ચિત્રભાનુજીના પરિવારમાં પત્ની પ્રમોદાબહેન અને બે પુત્રો રાજીવ તથા દર્શન છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VUXMUh
via Latest Gujarati News
0 Comments