તમે દેશમાં શાંતિ નહીં રહેવા દો, રોજ કોઇને કોઇ ઉશ્કેરે છે : સુપ્રીમની ટકોર


નવી દિલ્હી, તા.12 એપ્રિલ, 2019, શુક્રવાર

અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો હાલ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ મામલે જુદી જુદી માગ સાથે અરજીઓ થઇ રહી છે ત્યારે હવે એક એરજીમાં એવી માગણી કરવામાં આવી છે કે અયોધ્યામાં જે વિવાદ જગ્યા છે તેની પાસે જ બિનવિવાદિત જગ્યા પણ આવેલી છે અને ત્યાં નવ જેટલા ધાર્મિક સ્થળો આવેલા છે જ્યાં અમને પૂજાપાઠ કરવા દેવાની અનુમતી આપવામાં આવે. 

આ અરજીને લઇને જ્યારે સુનાવણી ચાલી રહી હતી ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમે ક્યારેય આ દેશમં શાંતિ નહીં રહેવા દો અને હંમેશા કોઇને કોઇ મુદ્દો લઇ આવશો.  આ પહેલા અલ્લાહાબાદ હાઇકોર્ટમાં પણ આ જ પ્રકારની અરજી થઇ હતી, જેમાં માગ કરવામાં આવી હતી કે આ નવ બિન વિવાદિત સ્થળોએ પૂજાપાઠ કરવાની છુટ આપવામાં આવે.

જોકે આ અરજીને અલ્લાહાબાદ હાઇકોર્ટે ફગાવી દીધી હતી સાથે અરજદારને પાંચ લાખ રૃપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. હાઇકોર્ટના આ આદેશને બાદમાં સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમમાં દાખલ અરજીની સુનાવણી વેળાએ અરજદારે એ જ માગ કરી હતી કે જે તેણે અલ્લાહાબાદ હાઇકોર્ટમાં કરી હતી. 

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ અને ન્યાયાધીશ સંજિવ ખન્નાએ અરજદાર પંડિત અમરનાથ મિશ્રાને ટોકતા કહ્યું હતું કે તમે વિવાદની આસપાસ જ કેમ ફર્યા કરો છો, કોઇને કોઇ ઉશ્કેરતુ રહે છે, આ દેશને તમે શાંતિથી નહીં રહેવા દો. સાથે જ સુપ્રીમ કોર્ટે અરજીમાં પૂજાપાઠની જે માગણી કરવામાં આવી હતી તેને ફગાવી દીધી હતી.

અરજદારે જે જગ્યાએ પૂજાપાઠની અનુમતી માગી હતી તેને પણ હાલ સીલ કરી દેવામાં આવી છે, આ જગ્યા વિવાદિત જગ્યાની પાસે જ છે. કોર્ટે અરજી ફગાવી સાથે અલ્લાહાબાદ હાઇકોર્ટે જે પાંચ લાખ રુપિયાનો દંડ ફટકાર્યો હતો તેને પણ જારી જ રાખ્યો છે તેથી અરજદારે હવે હાઇકોર્ટમાં પાંચ લાખ રૃપિયા જમા કરાવવા પડશે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZabRPG
via Latest Gujarati News

Post a Comment

0 Comments