
અમે પક્ષ જોઇને દરોડા પાડતા નથી, કોઇ પણ અધિકારી પર શંકા જાય તો ચૂંટણી પંચ પગલા લેવા સ્વતંત્ર : રેવન્યૂ વિભાગનો જવાબ
મારે ત્યાં દરોડા રાજકારણથી પ્રેરીત, હવાલા ફન્ડિંગ સાથે મારે કંઇ જ લેવાદેવા નથી : પ્રવીણ કક્કડ
નવી દિલ્હી, તા.9 એપ્રિલ, મંગળવાર, 2019
મધ્ય પ્રદેશ દિલ્હીમાં આઇટીના દરોડા ચાલી રહ્યા છે, મુખ્ય પ્રધાન કમલનાથ સાથે સંકળાયેલા લોકોને ત્યાં આ દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં ૧૪ કરોડ રૃપિયા જપ્ત કરવામાં આવ્યા હતા.
જ્યારે બીજી તરફ વિપક્ષ આરોપ લગાવી રહ્યો છે કે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જાણી જોઇને આ જ સમયે ખોટા આરોપો સાથે દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ ફરિયાદો બાદ ચૂંટણી પંચે પણ આઇટીને કહ્યું હતું કે દરોડા પાડો તે પહેલા અમને જાણકારી આપવી આ ઉપરાંત કોઇ પણ કાર્યવાહીમાં પારદર્શીતા દાખવવી.
ચૂંટણી પંચે આ અંગે એક પત્ર લખીને જરુરી સુચના પણ આપી હતી, જેના જવાબમાં રેવન્યૂ વિભાગે જણાવ્યું છે કે આઇટી વિભાગની તપાસમાં સંપૂર્ણપણે પારદર્શીતા જાળવી રાખવામાં આવી રહી છે, માત્ર હાલ જે દરોડા ચાલી રહ્યા છે તે જ નહીં દરેક પ્રકારની કાર્યવાહીમાં હંમેશા તેનું ધ્યાન રાખવામા આવે છે. આ પહેલા સાતમી એપ્રીલે ચૂંટણી પંચે રેવન્યૂ વિભાગને પત્ર લખ્યો હતો જેમાં જણાવ્યું હતું કે જે પણ નિયમો છે તેનું દરોડા દરમિયાન આક્રામક રીતે પાલન કરવામાં આવે.
એવા અહેવાલો છે કે ચૂંટણી પંચના આ પત્રનો જવાબ આપતા રેવન્યૂ સચીવ અજય ભુષણ પાંડેએ પણ બીજા જ દિવસે વળતો જવાબ આપ્યો હતો જેમાં તેમણે ચૂંટણી પંચે જે શબ્દોનો ઉપયોગ કર્યો હતો તેને ટાંકીને જણાવ્યું હતંુ કે અમારી કાર્યવાહીમાં હંમેશા પારદર્શીતા દાખવવામાં આવે છે. તેમ છતા જો કોઇ કાર્યવાહીમાં શંકા જણાય તો ચૂંટણી પંચના અધિકારીઓ આવી પ્રવૃત્તિને રોકી શકે છે અને આઇટી કે અન્ય કોઇ પણ એજન્સીના જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરી શકે છે અને આ અંગે અમે છુટ આપીએ છીએ.
બીજી તરફ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથના પૂર્વ અંગત સચીવ પ્રવીણ કક્કડે આરોપ લગાવ્યો હતો કે મારે ત્યાં જે દરોડા પાડવામાં આવી રહ્યા છે તે રાજકીય છે. મોટા નેતાઓના કહેવાથી આ કાર્યવાહી થઇ રહી હોવાનો આરોપ પણ કક્કડે લગાવ્યો હતો. અત્યાર સુધીમાં આઇટી વિભાગ દ્વારા ૧૪ કરોડ રૃપિયા જપ્ત કરવામાં આવ્યા છે જ્યારે ૨૮૧ કરોડ રૃપિયાની ટેક્સ ચોરીનું એક કૌભાંડ પણ ઝડપ્યું હોવાના અહેવાલો છે, જેની તપાસ ચાલી રહી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ioa1EY
via Latest Gujarati News
0 Comments