
ચૂંટણી પંચે પ્રચારમાં સૈન્ય અને જવાનોનો ઉપયોગ ન કરવાનો આદેશ આપ્યો હતો, મોદીએ ઉલ્લંઘન કર્યું : સીપીઆઇ(એમ)નો આક્ષેપ
નવી દિલ્હી, તા.9 એપ્રિલ, મંગળવાર, 2019
વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ ભાજપ માટે લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે. તેઓએ આ પ્રચારના ભાગરુપે મહારાષ્ટ્રના લાતુરમાં રેલીને સંબોધી હતી. જે દરમિયાન મોદીના એક નિવેદનને લઇને વિવાદ સર્જાયો છે.
મોદી અને ભાજપના અન્ય નેતાઓ બાલાકોટ એરસ્ટ્રાઇકનો જશ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, આ સ્થિતિ વચ્ચે મોદીએ લાતુરમાં પોતાના પ્રચારમા બાલાકોટ એરસ્ટ્રાઇકનો ઉલ્લેખ કરી આ વિવાદ સર્જ્યો છે. તેમણે કહ્યું હતું કે જે લોકો પહેલી વખત મતદાન કરવા જઇ રહ્યા છે અને નવા મતદારો છે તેમણે પોતાનો આ મત બાલાકોટ એરસ્ટ્રાઇકના જવાનોને નામ કરવો જોઇએ.
મોદીએ આ નિવેદન એવા સમયે કર્યું છે જ્યારે થોડા દિવસ પહેલા જ ચૂંટણી પંચે સ્પષ્ટપણે રાજકીય પક્ષો અને નેતાઓને સલાહ આપી હતી કે ચૂંટણી પ્રચારમાં સૈન્ય સાથે સંકળાયેલી કોઇ પણ બાબતનો ઉપયોગ કરવો નહીં.
બીજી તરફ મોદીના આ નિવેદનને લઇને વિપક્ષ સીપીઆઇ(એમ)એ ચૂંટણી પંચ સમક્ષ આચાર સંહિતાના ભંગની ફરિયાદ કરી છે. મોદીએ પ્રચાર દરમિયાન જણાવ્યું હતું કે હું પહેલી વખત મતદાતા બનેલાને કહેવા માગુ છુ કે તમારો આ પહેલો મત એરસ્ટ્રાઇક કરનારા બહાદુર જવાનોને અર્પણ કરો. તમારો આ પહેલો મત તમને જિંદગીભર યાદ રહેશે.
મોદીએ આ જ પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્ણાટકની રેલીમા પણ કર્યો હતો. સાથે મોદીએ હાલ મધ્ય પ્રદેશમાં જે દરોડા ચાલી રહ્યા છે તેને ટાંકીને જણાવ્યું હતું કે મને ચોકીદાર કહેનારાઓ એ જણાવો કે હવે ચોરી કોને ત્યાંથી પકડાઇ રહી છે? મોદીના ભાષણને લઇને ડાબેરી પક્ષોએ આચાર સંહિતાના ભંગની ફરિયાદ કરી છે. સીપીઆઇ(એમ)એ ચૂંટણી પંચને પત્ર લખીને જણાવ્યું છે કે મોદી ચૂંટણી પંચે જે આદેશ આપ્યા હતા તેનું જ ઉલ્લંઘન કરી રહ્યા છે.
જવાનોનો પ્રચાર માટે ઉપયોગ કરવો જવાનોનું અપમાન કરવા સમાન છે. સૈન્યને રાજકારણથી દુર રાખવું જોઇએ તેવી સલાહ પણ ડાબેરી પક્ષોએ મોદી અને ભાજપના નેતાઓને કરી હતી સાથે આ સમગ્ર મામલે મોદી વિરુદ્ધ આચાર સંહિતાના ભંગ બદલ કાર્યવાહી કરવાની માગ પણ કરી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GbHWiH
via Latest Gujarati News
0 Comments