બેંકો ભંડોળ આપવા તૈયાર નથી, બાકી પગાર નહીં ચૂકવાય : જેટ એરવેઝની કર્મચારીઓને સ્પષ્ટ વાત


થોડાક દિવસમાં કર્મચારીઓને બાકી પગાર નહીં ચૂકવાય તો તે બીજી જગ્યાએ જતા રહેશે 

મુંબઇ, તા.26 એપ્રિલ, 2019, શુક્રવાર

જેટ એરવેઝના ચીફ એક્ઝિકયૂટીવ ઓફિસર(સીઇઓ) વિજય દૂબેએ પોતાના કર્મચારીઓને જણાવ્યું છે કે જ્યાં સુધી બિડિંગ પ્રક્રિયા પૂર્ણ નહીં થયા ત્યાં સુધી બેંકો જેટ એરવેઝના કર્મચારીઓને બાકી પગાર ચૂકવવાનું વચન નહીં આપે. 

દુબેએ પોેતાના જેટ એરવેઝના કર્મચારીઓને લખેલા પત્રમાં જણાવ્યું છે કે અમે બેંકોને વારંવાર જણાવ્યું છે કે અમારા કર્મચારીઓને છેલ્લા કેટલાક સમયથી પગાર મળી રહ્યો નથી જેના કારણે તેઓ અનેક મુશ્કલીઓનો સામનો કરી રહ્યાં છે. જો થોડાક દિવસમાં તેમને તેમનો બાકી પગાર ચૂકવવામાં નહીં આવે તો તેઓ અન્ય જગ્યાએ નોકરી શોધી લેશે. 

૧.૨ અબજ ડોલરના દેવામાં ડૂબેલી જેટ એરવેઝે હાલમાં હંગામી ધોરણે તમામ ફલાઇટ બંધ કરી દીધી છે. બેંકોએ જેટ એરવેઝને ઇમરજન્સી ફંડ આપવાનો ઇનકાર કરતા જેટ એરવેઝને પોતાની તમામ ફલાઇટો રદ કરવાની ફરજ પડી હતી. 

કર્મચારીઓને લખેલા પત્રમાં સીઇઓએ જણાવ્યું છે કે અમે છેલ્લા કેટલાક દિવસથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્ત્વવાળા બેંકોના જૂથોને એ સમજાવવાના પ્રયત્નો કરી રહ્યાં છે કે કર્મચારીઓનું બાકી પગાર ચૂકવવા માટે કેટલીક રકમ રિલીઝ કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે જેટ એરવેઝ ભારતની સૌથી મોટી ખાનગી એરલાઇન્સ હતી. આ દરમિયાન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આશા વ્યક્ત કરી છે કે જેટ એરવેઝની બિડિંગ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઇ જશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2L9A7P8
via Latest Gujarati News

Post a Comment

0 Comments