(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૬
તમિલનાડુના વેલ્લોરમાં થોડાક દિવસ પહેલા ડીએમકેના ઉમેદવાર પાસેથી મોટા પ્રમાણમાં રોકડ મળી આવતા ૧૮ એપ્રિલે યોજાનાર લોકસભા ચૂંટણી રદ કરવામાં આવી છે.
૩૦ માર્ચના રોજ આવકવેરા વિભાગના અધિકારીઓએ ડીએમકેના ઉમેદવાર કથિર આનંદના પિતા દુરાઇ મુરુગનના નિવાસસ્થાને દરોડા પાડયા હતાં. ચૂંટણીમાં ગેરકાયદે નાણાંનો ઉપયોગની ફરિયાદને આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતાં. આ દરોડા દરમિયાન ૧૦.૫૦ લાખ રૃપિયા જપ્ત કરવામાં આવ્યા હતાં.
બે દિવસ પછી આવકવેરા વિભાગના અધિકારીઓએ દાવો કર્યો હતો કે ડીએમકે નેતાના સહયોગીના સિમેન્ટ ગોડાઉનમાંથી ૧૧.૫૩ કરોડ રૃપિયા જપ્ત કરવામાં આવ્યા હતાં.
ચૂંટણી પંચની ભલામણને પગલે રાષ્ટ્રપતિ રાનનાથ કોવિંદે વેલ્લોર લોકસભા બેઠક પર ચૂંટણી યોજવાના નોટિફિકેશન રદ કરી દીધું છે.
આવકવેરા વિભાગના ૧૦ એપ્રિલના રોજના અહેવાલને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસે આરોપી કથિર આનંદ સામે દાખલ કરેલી ફરિયાદને આદારે ચૂંટણી પંચે ચૂંટણી રદ કરવાની ભલામણ રાષ્ટ્રપતિને કરવાનો નિર્ણય લીધો હતો.
આનંદ સામે રિપ્રેઝેન્ટેશન ઓફ ધ પિપલ એક્ટ હેઠળ ખોટી માહિતી આપવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. લાંચના આરોપ હેઠળ શ્રીનિવાસન અને દામોદરન સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિના આ નિર્ણયની જાણ તમિલનાડુના મુખ્ય ચૂંટણી અધિકારીને કરી દેવાાં આવી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્ય ચૂંટણી અધિકારીએ આ અંગેની જાણ સંબધિત ઉમેદવારો અને પક્ષોને કરી દીધી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Pdk94S
via Latest Gujarati News
0 Comments