(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૫
આર્થિક રીતે નબળા વર્ગ માટે ૧૦ ટકા અનામત અમલમાં મૂકવા માટે દેશની ૧૫૮ સેન્ટ્રલ એજ્યુકેશનલ ઇન્સ્ટીટયુટ(સીઇઆઇ)માં બે લાખ બેઠકો વધારવાના પ્રસ્તાવને કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને એડમિશન આપવા માટેની જોગવાઇઓને મંજૂરી આપી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટમાં પ્રસ્તાવ આગળ વધારવા પહેલા માનવ સંશાધન વિકાસ મંત્રાલયે ચૂંટણી પંચની મંજૂરી માગી હતી કારણકે લોકસભા ચૂંટણીને પગલે હાલમાં આદર્શ આચારસંહિતા અમલમાં છે.
સૂત્રોના જણાવ્યા કેબિનેટની મંજૂરી મળી ગયા પછી કુલ ૨,૧૪,૭૬૬ બેઠકો વધારવામાં આવશે. શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦માં ૧,૧૯,૯૮૩ જ્યારે શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં ૯૫,૭૮૩ બેઠકો વધારવામાં આવશે.
આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ૧૫૮ સેન્ટ્રલ એજ્યુકેશનલ ઇન્સ્ટીટયુટમાં પ્રવેશમાં અનામતનો લાભ આપવા માટે ૪૩૧૫.૧૫ કરોડ રૃપિયાના બજેટને મંજૂરી આપવામાં આવી છે.
૨૦૧૯-૨૦ના વચગાળાના બજેટમાં પણ સેન્ટ્રલ એજ્યુકેશનલ ઇન્સ્ટીટયુટમાં ૨૫ ટકા બેઠકો વધારવા માટે બજેટનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ૯ જાન્યુઆરીએ રાજ્યસભામાં બંધારણમાં સુધારો કરીને સામાન્ય કેટેગરીમાં આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને ૧૦ ટકા અનામત આપવાની મંજૂરી આપવામાં આવી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GlSzyy
via Latest Gujarati News
0 Comments