નવી દિલ્હી, તા. ૧૫
ભારતની ચૂંટણીઓમાં ઉભા રહેતા તમામ ઉમેદવારોનો લક્ષ્યાંક ચૂંટણી જીતવાનો હોતો નથી. હજારો ઉમેદવારો એવા હોય છે કે તેમને એટલા ઓછા મત મળે છે કે તેમની ડિપોઝીટ પણ જપ્ત થઇ જાય છે.
તો પછી પ્રશ્ર એ થાય છે કે ઉમેદવારોને ખબર હોય છે કે તે જીતવાના નથી પછી તો શા માટે તેઓ ચૂંટણીમાં ઉભા રહે છે? તેનો જવાબ એ છે કે પક્ષના બળવાખોર નેતાઓ પોતાના પક્ષનો ઉમેદવાર ન જીતે તે માટે મત કાપવા માટે ઉભા રહેશે. કેટલાક ઉમેદવારો ફક્ત લોકપ્રિયતા મેળવવા માટે ચૂંટણીમાં ઉભા રહેશે.
૧૯૫૨થી અત્યાર સુધીમાં ચૂંટણીમાં ઉભા રહેલા કુલ ઉમેદવારો પૈકી ૭૫ ટકા ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઇ જાય છે. હાલમાં સામાન્ય વર્ગના ઉમેદવાર માટે ડિપોઝીટની રકમ ૨૫,૦૦૦ રૃપિયા છે જ્યારે પછાત વર્ગના ઉમેદવાર માટે ડિપોઝીટની રકમ ૧૨,૫૦૦ રૃપિયા છે.
આવા ઉમેદવારોની સંખ્યા ઘટે તે માટે ચૂંટણી પંચે ડિપોઝીટની રકમ વધારી હોવા છતાં તેમાં ઉમેદવારોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો નથી.
૨૦૧૪ની લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો કુલ ૮૨૫૧ ઉમેદવારો પૈકી ૮૫ ટકા ઉમેદવારોએ પોતાની ડિપોઝીટ ગુમાવી હતી.ડિપોઝીટ ગુમાવનારાઓમાં અપક્ષ ઉમેદવારો સૌૈથી વધારે હોય છે. જો કે કેટલીક રાષ્ટ્રીય પાર્ટીના ઉમેદવારોની પણ ડિપોઝીટ જપ્ત થાય છે.
ચૂંટણી પંચના નિયમ અનુસાર ચૂંટણીમાં ઉભા રહેવા માગતા દરેક ઉમેદવારે ડિપોઝીટ જમા કરાવવાની હોય છે. જો ઉમેદવારને કુલ પડેલા મતોના છઠ્ઠા ભાગના મતો ન મળે તો ડિપોઝીટ જપ્ત કરવામાં આવે છે. જો કે દર વર્ષે ડિપોઝીટ ગુમાવનારા ઉમેદવારોની સંખ્યા વધી રહી તેમ તેમ ચૂંટણી પંચની આવક પણ વધી રહી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UDxNEx
via Latest Gujarati News
0 Comments