ચૂંટણી પંચે કેન્દ્રની ભાજપ સરકારના ઇશારે ચાર પોલીસ અધિકારીઓની બદલી કરી : મમતા બેનર્જી


નવી દિલ્હી, તા. ૬

પશ્ચિમ બંગાળના ચાર પોલીસ અધિકારીઓની બદલી કરનાર ચૂંટણી પંચ સામે નારાજગી વ્યક્ત કરતા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ચૂંટણી પંચ પર પક્ષપાતી નિર્ણય લેવાનો આરોપ મૂક્યો છે. વધુમાં બેનર્જીએ જણાવ્યું છે કે ચૂંટણી પંચ ભાજપના ઇશારે કામ કરી રહ્યું છે. 

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાને જણાવ્યું છે કે મારું માનવું છે કે ભારતમાં લોકશાહીને બચાવવા માટે ચૂંટણી પંચે નિષ્પક્ષ કામગીરી કરવી જોઇએ. પણ આ એક કમનસીબ ઘટના છે કે ચૂંટણી પંચ દ્વારા ચાર પોલીસ અધિકારીઓની બદલીના વિરોેધમાં મારે પત્ર લખવો પડી રહ્યો છે. 

મમતાએ વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા લેવાયેલો નિર્ણય એકતરફી છે. એમા કોઇ શંકા નથી કે કેન્દ્રની ભાજપ સરકારને ઇશારે ચૂંટણી પંચે આ ચાર અધિકારીઓની બદલી કરવાનો આદેશ આપ્યો છે. 

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે ગઇકાલ મોડી રાતે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના નજીકના ચાર આઇપીએસ અધિકારીઓની બદલી કરી હતી.ચૂંટણી પંચના આદેશ મુજબ સીબીઆઇની વિરુદ્ધના ધરણા દરમિયાન દર વખતે મમતા બેનર્જીની સાથે રહેલા કોલકાતાના પોલીસ કમિશનર અનુજ શર્માની પણ બદલી કરવામાં આવી છે. 

સૂત્રોના જણાવ્યા ચૂંટણી પંચના આ નિર્ણય અંગે રાજ્ય સરકાર કાયદાકીય સહિતના તમામ વિકલ્પો અંગે વિચારણા કરી રહી છે. 

અનુજ શર્મા ઉપરાંત અન્ય ત્રણ પોલીસ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. ચૂંટણી પંચે રાજ્ય સરકારને વધુમાં જણાવ્યું છે કે જે ચાર અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમને ચૂંટણી સંબધી કોઇ પણ પ્રકારની કામગીરી સોંપવામાં ન આવે. 

પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ મલય ડે ના નામે ચૂંટણી પંચે મોકલેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ આદેશનો તાત્કાલિક અમલ કરવામાં આવે. 

ચૂંટણી પંચે કોલકાતાના પોલીસ કમિશનર અનુજ શર્મા ઉપરાંત વિધાનનગરના પોલીસ કમિશનર જ્ઞાાનવંત સિંહ, ડાયમંડ હાર્બરના એસપી સેલ્વમુરુગન અને બીરભૂમના એસપી શ્યામ સિંહની પણ બદલી કરવામાં આવી છે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VnYxFm
via Latest Gujarati News

Post a Comment

0 Comments