તમિલનાડુના મંદિરમાં ઉજવણી દરમિયાન ધક્કામુક્કી થતાં સાતનાં મોત


(પીટીઆઈ) તિરુચિરાપલ્લી, તા.21 એપ્રિલ, 2019, રવિવાર

તમિલનાડુમાં તિરુચિરાપલ્લીથી ૪૫ કિમી દૂર આવેલા મુથૈયાપલયમ ગામના કરુપન્ના સ્વામી મંદિરમાં ઉત્સવ દરમિયાન ધક્કામુક્કી થતા ચાર મહિલા સહિત સાત શ્રદ્ધાળુઓના મોત થયા છે.

 પોલીસે જણાવ્યું કે મંદિરમાં ચૈત્રી પૂર્ણિમાની વાર્ષિક ઉજવણીમાં 'પીદ્દીકાસુ' સમારોહ દરમિયાન અચાનક જ ધક્કામુક્કી શરુ થઈ ગઈ હતી. પીદ્દીકાસુ સમારોહમાં મંદિરના મહંત દર્શનાર્થીઓને સિક્કાની પ્રસાદી વહેંચે છે.

પોલીસે જણાવ્યું કે ઉજવણી દરમિયાન રવિવારે મહંતે સિક્કાનો પ્રસાદ વહેંચવાનું શરુ કર્યું તે વખતે ત્યાં ઉપસ્થિત ૧૦૦થી પણ વધારે લોકોએ સિક્કા લેવા માટે આગળ આવવા ધક્કા મુક્કી શરુ કરી દીધી હતી.  મંદિરમાં ધાર્મિક ઉજવણી દરમિયાન આ દુર્ઘટનામાં ચાર મહિલા સહિત સાત શ્રદ્ધાળુ મૃત્યુ પામ્યા છે અને અન્ય ૧૦ની હાલત ખૂબ જ ગંભીર હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ ઉજવણીમાં સિક્કાનું વિતરણ સૌથી મહત્વનો ભાગ હોય છે. શ્રદ્ધાળુઓના મતે આ સિક્કો ઘરમાં ધનની પેટીમાં રાખવાથી સમૃદ્ધિ વધે છે જેથી આસપાસના ગામના લોકો પણ ત્યાં આવે છે. મંદિરના એક કર્મચારીએ જણાવ્યું કે મંદિરમાં ભીડને કાબૂમાં લેવા માટે કે કોઈ પણ સ્થિતિમાં પહોંચી વળવા માટે જરુરી સુરક્ષાનો અભાવ હોવાથી આ ઘટના બની હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UL2WWy
via Latest Gujarati News

Post a Comment

0 Comments