
ઝારખંડની રાજધાની રાંચીથી ઉત્તર પશ્ચીમમાં ૬૫ કિમી દૂર મૈકલૂસ્કીગંજ નામનું ગામ આવેલું છે. ઘનઘોર જંગલો અને આદિવાસી ગામોની વચ્ચે આ એંગ્લો ઇન્ડિયન ગામ ૧૯૩૩માં કોલોનાઇઝેશન સોસાયટી ઓફ ઇન્ડિયાએ વસાવ્યું હતું. બ્રિટીશરોએ ભારતમાં ૩૦૦ વર્ષ શાસન ચલાવ્યું તે દરમિયાન લગ્ન કરીને ભારતમાં જ રહેતા અંગ્રેજોને એંગ્લો ઇન્ડિયન ગણવામાં આવે છે. ૧૯૩૦ના દશકમાં રાતૂ મહારાજ પાસેથી ૧૦ હજાર એકર જમીન લઇ અર્નેસ્ટ ટીમોથીએ મૈકલુસ્કી નામના એક એંગ્લો ઇન્ડિયન તેનો પાયો નાખ્યો હતો. યૂરોપીયન શૈલીના બનાવેલા ૩૬૫ બંગલામાં એંગ્લો ઇન્ડિયન રહેતા હતા, આથી આ વિસ્તાર આજે પણ ૩૬૫ બંગલા તરીકે ઓળખાય છે. આજુબાજુના આદિવાસી ગામોના લોકો અંગ્રેજ હોવાથી તેમની નજીક આવતા પણ ડરતા હતા. ૧૯૪૭માં ભારતને આઝાદી મળતા ઘણા એંગ્લો ઇન્ડિયન ભારત છોડીને જતા રહયા હતા. હાલમાં મૈકલૂસ્કીગંજમાં ૨૭ જેટલા પરીવારો રહે છે. મોટા ભાગના રહેઠાણ બંગલાઓ ટૂરિસ્ટ ઓફિસ અને હોટલમાં ફેરવાઇ ગયા છે.

એંગ્લો ઇન્ડિયન સમુદાયની પશ્ચીમી રહેણી કહેણીના કારણે લોકો આ ગામને મીની લંડન તરીકે ઓળખતા હતા. આ ગામ વસાવનારા મૈકલૂસ્કીના પિતા આઇરીશ જયારે માતા હિંદુ હતા. મૈકલૂસ્કીના પિતા રેલવેમાં નોકરી કરતા હતા ત્યારે બનારસમાં એક હિંદુ છોકરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. એક એંગ્લો ઇન્ડિયન તરીકે મૈકલૂસ્કી પોતાના આ વિશિષ્ટ સમુદાય માટે કશુંક કરવા ઇચ્છતા હતા. તેઓ બંગાળ વિધાન પરીષદના મેમ્બર બન્યા હતા અને કલકતામાં રિયલ એસ્ટેટના કારોબાર સાથે પણ સંકળાયેલા હતા. જયારે તેઓ ઝારખંડના વિસ્તારમાં આવ્યા ત્યારે કુદરતી સુંદરતા જોઇને આ સ્થળ પસંદ આવી ગયું હતું. અહીંના વિસ્તારમાં કેરી, જાંબુ, કરંજ વગેરે જોઇને એંગ્લો ઇન્ડિયન સમુદાયના લોકોને જ અહીં વસાવવાનું નકકી કર્યુ હતું. ૧૯૩૦ના દાયકામાં સાઇમન કમીશનનો અહેવાલ આવ્યો જેમાં એંગ્લો ઇન્ડિયન સમૂદાયની જવાબદારીમાંથી અંગ્રેજ સરકાર હાથ ઉંચા કરી લીધા હતા. આથી મૈકલુસ્કીએ ભારતમાં જ એક વિશિષ્ટ ગામ તૈયાર કરવાનું નકકી કર્યુ હતું. અહીં કલક્તામાં રહેતા એંગ્લોે ઇન્ડિયન પરીવારના કેટલાક લોકો પણ જમીન ખરીદીને રહેવા લાગ્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2G4hOX7
via Latest Gujarati News
0 Comments