કોંગ્રેસના ઢંઢેરાની ટીકા કરીને નીતિ આયોગના ઉપાધ્યક્ષે આચારસંહિતાનો ભંગ કર્યો


નવી દિલ્હી, તા.5 એપ્રિલ, 2019, શુક્રવાર

કોંગ્રેસના મેનિફેસ્ટોની ટીકા કરીને નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર વિવાદમાં ઘેરાયા હતા. ચૂંટણીપંચે રાજીવ કુમારને નોટિસ પાઠવીને ખુલાસો પૂછ્યો હતો. ખુલાસો સંતોષકારક ન જણાતા ચૂંટણીપંચે પત્ર લખીને સ્પષ્ટ કહ્યું હતું કે રાજીવ કુમારે આચારસંહિતાનો ભંગ કર્યો છે.

કોંગ્રેસનો મેનિફેસ્ટો જાહેર થયો ત્યારે તેમાં લઘુતમ આવકની ખાતરી આપતો વાયદો થયો હતો. તે સંદર્ભમાં નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારે ટીકા કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધીની લઘુતમ આવકની ગેરંટીનું વચન ક્યારેય લાગુ પાડી શકાશે નહીં. તે સંદર્ભે વિવાદ થયો હતો. તે પછી વિપક્ષોએ ચૂંટણીપંચને કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી અને નીતિ આયોગના ઉપાધ્યક્ષે વર્તમાન સરકારની તરફેણ કરીને આચારસંહિતાનો ભંગ કર્યો છે એવો આરોપ લગાવ્યો હતો.

તે પછી ચૂંટણી પંચે નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારને નોટિસ પાઠવીને ખુલાસો કરવા જણાવ્યું હતું. નીતિ આયોગના ઉપાધ્યક્ષે જવાબમાં કહ્યું હતું કે એક અર્થશાસ્ત્રી હોવાના નાતે તેણે આવું નિવેદન આપ્યું હતું. 

રાજીવ કુમારે પૂર્વ નીતિ આયોગ ઉપાધ્યક્ષ મોન્ટેકસિંહ આહલુવાલિયાની ૨૦૧૪ની ટીપ્પણીને ટાંકીને ખુલાસો કર્યો હતો કે ૨૦૧૪માં આચારસંહિતા હતી એ વખતે મોન્ટેક સિંહે પણ ગુજરાત મોડેલ ઉપર ટીપ્પણી કરી હતી.

જોકે, ચૂંટણી પંચે એ ખુલાસો માન્ય રાખ્યો ન હતો. ચૂંટણી પંચે રાજીવ કુમારને પત્ર લખીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે સરકારી અધિકારીએ રાજકીય નિવેદનોથી દૂર રહેવું આવશ્યક છે અને રાજીવ કુમારે રાજકીય નિવેદન આપ્યું હોવાથી આચારસંહિતાનો ભંગ થયો છે.

ચૂંટણીપંચે કહ્યું હતું કે રાજીવ કુમારનો જવાબ સંતોષકારક નથી. રાજકીય દૃષ્ટિકોણ રજૂ કરવા બદલ ચૂંટણીપંચે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે સરકારી સંસ્થા ઉપર બેસનારા અધિકારીએ રાજકારણીઓને ફાયદો-નુકસાન થાય એવા વિચારો વ્યક્ત ન કરવા જોઈએ. 

ચૂંટણીપંચે પત્રમાં લખ્યું હતું કે સરકારી અધિકારીએ આચરણમાં તો નિષ્પક્ષ રહેવું જ જોઈએ, પણ જાહેર નિવેદનોમાં પણ નિષ્પક્ષ રહેવું જોઈએ, તમે એ બાબતમાં ખરા ઉતર્યા નથી અને તમે આચારસંહિતાનો ભંગ કર્યો છે. તે બાબતે ચૂંટણીપંચ નારાજગી વ્યક્ત કરે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2TYCSlt
via Latest Gujarati News

Post a Comment

0 Comments