
ચાર્જશીટ લીક થઈ તેનો ઈડી એક દિવસમાં જવાબ આપે : કોર્ટનો આદેશ
કોર્ટમાં પહોંચતા પહેલાં ચાર્જશીટની નકલ લીક થઈને મીડિયામાં કેમ પહોંચી? : મિશેલના વકીલે કોર્ટમાં ઈડી સામે સવાલો ઉઠાવ્યા
કેન્દ્ર સરકાર તપાસ એજન્સીનો રાજકીય ઉપયોગ કરી રહી હોવાનું આરોપી મિશેલનું દિલ્હીની કોર્ટ સમક્ષ નિવેદન
કોંગ્રેસ, સપા, બસપા વચ્ચે પાકિસ્તાનમાં હીરો બનાવાની હરીફાઇ : ચૂંટણી સભામાં મોદીનો કટાક્ષ
(પીટીઆઈ) નવી દિલ્હી, તા.5 એપ્રિલ, 2019, શુક્રવાર
વીવીઆઈપી હેલિકોપ્ટર કેસની પૂછપરછમાં કોઈના નામ આપ્યા ન હોવાનું નિવેદન આરોપી મિશેલે કોર્ટમાં કર્યું હતું. તપાસ એજન્સી ઈડીએ ચાર્જશિટમાં દાવો કર્યો હતો કે તેણે ટૂંકા નામ જણાવ્યા હતા. પરંતુ મિશેલે એ વાત અસત્ય હોવાનો કોર્ટમાં દાવો કર્યો હતો. બીજી બાજુ વડાપ્રધાન મોદીએ આજે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઓગસ્ટા વેસ્ટલેન્ડ મુદ્દે વિપક્ષને ઘેર્યો હતો.
ઓગસ્ટા વેસ્ટલેન્ડ ચોપર કૌભાંડની તપાસ ઈડી કરી રહી છે. ઈડીએ ચાર્જશીટ દાખલ કરી છે તે સંદર્ભમાં મોદીએ કહ્યું : 'ઈડીએ ચાર્જશીટમાં એપી અને ફેમ એવા શબ્દોનો ઉલ્લેખ કર્યો છે. આરોપી મિશેલે આ નામો કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું કહ્યું છે અને ઈડીએ તો એપી એટલે અહેમદ પટેલ એવું પણ ચાર્જશીટમાં કહ્યું છે. હવે તમે જ કહો અહેમદ પટેલ ક્યા પરિવાર સાથે સંકળાયેલા છે?' એવું પૂછીને મોદીએ રેલીમાં ગાંધી પરિવાર અને અહેમદ પટેલ ઉપર આરોપ લગાવ્યો હતો.
અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરના કૌભાંડ બાબતે તપાસ ચાલી રહી છે. ઈડીએ વચેટિયા મિશેલની પૂછપરછ કરીને કોર્ટમાં ચાર્જશિટ દાખલ કરી હતી. ચાર્જશિટમાં દાવો થયો હતો કે મિશેલે AP, FAM જેવા શબ્દોનો ઉપયોગ થયો હતો. આ મુદ્દે ભાજપે કોંગ્રેસને નિશાન બનાવી હતી.
પરંતુ કોર્ટમાં મિશેલે દાવો કર્યો હતો કે તેણે પૂછપરછમાં કોઈના નામ કહ્યા નથી. મિશેલે તપાસ એજન્સી અને વર્તમાન સરકાર સમક્ષ આરોપ લગાવતા કહ્યું હતું કે વર્તમાન સરકાર તપાસ એજન્સીનો રાજકીય ઉપયોગ કરીને વિપક્ષી નેતાઓના નામ બોલાવવાનું દબાણ કરે છે.
ઈડીએ પુરક ચાર્જશિટ દાખલ કરીને ટૂંકા નામો લીધા હોવાનો દાવો કર્યો તે પછી રાજકીય માહોલ વધુ ગરમ બન્યો હતો, પરંતુ આરોપી ક્રિસ્ટિયન મિશેલે કોર્ટમાં આ આરોપ નકારી દીધો હતો. મિશેલના વકીલે કોર્ટમાં ઈડીની વિશ્વસનીયતા ઉપર સવાલ ઉઠાવતા એવી દલીલ કરી હતી કે પુરક ચાર્જશિટની નકલ કોર્ટમાં રજૂ થાય એ પહેલાં લીક કેવી રીતે થઈ? મીડિયા સુધી કેવી રીતે પહોંચી ગઈ? શું તપાસ એજન્સી આટલી મહત્વની ચાર્જશિટ પણ સાચવી રાખી શકતી નથી?
મિશેલના વકીલની ફરિયાદ પછી કોર્ટે ઈડીને આ બાબતે સ્પષ્ટતા કરવાનો આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું હતું કે આવું કેવી રીતે થયું તેનો ઈડી કોર્ટને એક દિવસમાં જવાબ આપે. ઈડીએ પુરક ચાર્જશીટમાં દાવો કર્યો હતો કે મિશેલે એરફોર્સ અધિકારીઓ, અધિકારીઓ અને રાજકારણીઓને લાંચ આપી હોવાનું જણાવ્યું હતું.
દરમિયાનમાં મોદીએ ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ, સપા અને બસપા ઉપર કટાક્ષ કરતા કહ્યું હતું કે કોંગ્રેસ, સપા અને બસપા વચ્ચે પાકિસ્તાનમાં હીરો બનવાની હોડ જામી છે. મોદીએ કહ્યું હતું કે આ વિપક્ષો આતંકવાદને મદદ કરીને દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે. આતંકવાદીઓ પ્રત્યે નરમ વલણ દાખવતા હોવાના મુદ્દે આ વિપક્ષો ઉપર મોદીએ કટાક્ષ કર્યા હતા.
મોદીએ સભાઓમાં ત્રિપલ તલાકના કાયદામાં વિપક્ષો વિરોધ કરતા હોવાના મુદ્દે પણ વિપક્ષોને ઘેર્યા હતા. તો મુઝફ્ફરનગરના રમખાણો માટે તત્કાલિન અખિલેશ સરકારને દોષિ ગણાવીને મોદીએ અખિલેશની સરકારની ઝાટકણી કાઢીને વર્તમાન યોગી સરકારની પ્રશંસા કરી હતી. કોંગ્રેસના મેનિફેસ્ટોની ટીકા કરવાની તક ઝડપીને મોદીએ કહ્યું હતું કે આ ચૂંટણીઢંઢેરો લોકોને ગેરમાર્ગે દોરનારો છે અને આતંકવાદીઓને છૂટો દોર મળે એવી એમાં તરફેણ થઈ છે.
ચોર હોય એને બીજા પણ ચોર જ દેખાય અહેમદ પટેલનો મોદીને જવાબ
મોદી ચૂંટણીમાં ફાયદો ઉઠાવવા માટે પાયાવિહોણા આરોપ લગાવી રહ્યા છે, ઈડીનું નામ એનડીએ કરી દેવું જોઈએ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ ઉપર મોદીએ અગસ્ટાવેસ્ટલેન્ડ કૌભાંડનો આરોપ લગાવ્યો તે પછી અહેમદ પટેલે તેજો જવાબ આપ્યો હતો. અહેમદ પટેલે કહ્યુ હતું કે એક ચોરને એવું જ લાગે કે બીજો પણ ચોર છે. ખરેખર તો આ ચૂંટણીલક્ષી આરોપથી વિશેષ કશું જ નથી.
અહેમદ પટેલે ટ્વીટ કરીન કહ્યું હતું કે તેમને ભારતની ન્યાયપ્રણાલીમાં પૂરેપૂરો વિશ્વાસ છે અને આ આરોપ ચૂંટણીલક્ષી છે. મોદી આ ખોટા આરોપાના બહાને ચૂંટણીમાં ફાયદો મેળવવા ઈચ્છે છે.
અહેમદ પટેલે વ્યંગ કરતા કહ્યું હતું કે ખરેખર તો હવે ઈડીનું નામ એનડીએ કરી દેવું જોઈએ. કારણ કે ઈડી ય હવે તો એનડીએ સરકારનો જ ભાગ છે. પુરાવા વગર ચોકીદાર મનઘડંત આરોપ લગાવી રહ્યા છે. તેમના આરોપોમાં કોઈ જ સત્ય નથી એવું કોંગ્રેસના આ સીનિયર નેતાએ જણાવ્યું હતું.
આરજી એટલે રજત ગુપ્તા : સુશેન ગુપ્તા
ઈડીએ કહ્યું હતું કે આરોપી સુશેન ગુપ્તાની પૂછપરછ દરમિયાન અને તેની ડાયરીમાં સતત આરજીનો ઉલ્લેખ હતો. તે સંદર્ભમાં તેને પૂછવામાં આવ્યું ત્યારે તેણે સહકાર આપ્યો ન હતો. ઈડીએ કોર્ટને કહ્યું હતું કે આરજી નામનું ફૂલફોર્મ જાણવા માટે સુશેન ગુપ્તાની કસ્ટડી આપવાની પરવાનગી આપવામાં આવે. સુશન ગુપ્તાએ આરજીનો મતલબ રજત ગુપ્તા જણાવ્યું હોવાનો દાવો થયો હતો. એ પછી ઈડીએ રજત ગુપ્તાની પૂછપરછ કરી હતી, પણ રજત ગુપ્તાએ કહ્યું હતું કે સુશેન ગુપ્તા જ નામનો ખરો અર્થ જણાવી શકે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YNvNId
via Latest Gujarati News
0 Comments