
કાપડ બજારમાં રૂ, કોટન યાર્ન, પોલીયેસ્ટર યાર્ન, ફાઈબરના ભાવમાં વધારો થવા પામેલ છે. કાપડમાં રો-મટીરીયલ્સના ભાવમાં વધારા પછી કોટન કાપડના ગ્રે કાપડના ભાવમાં વધારો જોવા મળી રહેલ છે. પરંતુ 'ફીનીશ કાપડના ભાવ વધી શક્તા નથી. આમ કાપડ બજારમાં સાયકલ રીવર્સ ચાલી રહેલ છે.
કપાસના ભાવ વધીને' રૂ. ૪૬,૦૦૦ થી રૂ. ૪૭૦૦૦ થઇ ગયેલ છે. જ્યારે કોટન યાર્નના ભાવમાં પ્રતિ કીલો દીઠ રૂ. ૮ થી રૂ ૧૦નો વધારો થયેલ છે. ઓપન એન્ડ યાર્નમાં રૂ ૧૨નો વધારો થયેલ છે. જ્યારે ફાઇબર અને પોલીયેસ્ટર યાર્નમાં રૂ ૨થી રૂ. ૩નો વધારો નોંધાયેલ છે.
આના પછવાડે કોટન કાપડના ભાવમાં રૂ. ૨ થી ૩નો વધારો થવા પામેલ છે. કાપડના ગ્રે કાપડના ભાવ વધારા પછી જુના ભાવના માલો સારા પ્રમાણમાં વેચાઈ ગયેલ છે. કાપડમાં ઉત્પાદન વધુ અને ડીમાન્ડ ઓછી છે. અને બાયર્સ મારકીટ થવાના લીધે પેમેન્ટના ધારા-ધોરણ બગડવા પામેલ છે. કાપડમાં ઉધારીના દુષણના લીધે વેપારી વર્ગ થાકી ગયેલ છે. ધારેલા પેમેન્ટ આવતા નથી.
અને જુના પેમેન્ટ માટે નવા માલો આપવા પડે છે. આના પરિણામે ધારણા વધુનું જોવા મળી રહેલ છે. કાપડમાં લોકલ તથા દેશાવરોની ચેનલોમાં સારા પ્રમાણમાં માલો છે. બજારમાં કાપડના ગ્રેના ભાવ વધવા માટે બધા જ કારણો છે. પરંતુ બજારમાં ચાલી રહેલ સખત નાણાં ભીડ, ઘટી ગયેલી લેવાલી અને દેશમાં ચૂંટણીના માહોલ વચ્ચે બજારમાં ઘરાકી ઓછી રહેવા પામેલ છે.
તા. ૬ મેથી રમઝાન મહિનાની શરૂઆત થવાના લીધે અને સ્કુલ સીઝન અને લગ્નગાળાની ઘરાકી જોવા મળી રહેલ છે. વધુમાં દેશમાં પડી રહેલ ગરમીના લીધે ગરમીના ચાલતા માલોની ઘરાકી જોવા મળી રહેલ છે. ગરમી વધતા ઝીણા, મલમલ અને કોટનના માલોની ઘરાકી જોવા મળી રહેલ છે. કોડ્રોયમાં ઘરાકી સારી જોવા મળી રહેલ છે. ચૂંટણીના લીધે ધોતી, સાડી, ટી-શર્ટ અને બેનર ચાલવા લાગ્યો છે. રમઝાનમાં વધારે પડતા સફેદ કાપડની ડીમાન્ડ જોવા મળી રહેલ છે.
વધુમાં લગ્નગાળો ચાલતો હોવાના લીધે ફેન્સી જાતોની ડીમાન્ડ જોવા મળી રહેલ છે. ચૂંટણીનું રીઝલ્ટ આગામી મે મહિનામાં ૨૩ તારીખે આવશે. આના લીધે વેપારી વર્ગ અત્યારે મન મૂકીને ધંધો કરવાના મુડમાં નથી. વધુમાં અત્યારે કેશ રકમની હેરફેર કરી શકાતી નહિ હોવાના લીધે અને આંગડીયા સર્વીસ બંધ હોવાના લીધે કાપડ બજારમાં નાણાભીડમાં વધારો જોવા મળી રહેલ છે. બેંકોની લીમીટ પૂરી વપરાતી થયેલ છે. વેપારી વર્ગમાં શરાફી વ્યવહારના દર ૧૮થી ૨૪ ટકા સુધી પહોંચી ગયેલ છે.
બજારમાં આમ નાણા વગરની ઘરાકી કહી શકાય. પેમેન્ટ માટે ઘણી રકઝક કરવી પડતી હોય છે. માલો વેચાઈ શકે કે પરંતુ પેમેન્ટ અને નાણાના વ્યવહાર બગડવા પામેલ છે. આવામાં પાર્ટીઓ ઢીલી પડવાની હવાથી બજારનું મોરલ બગડવા પામેલ છે. કાપડના ધંધામાં પહેલા હજારો અને લાખ જોઇતા હતા હવે કાપડના ધંધા અને ઉત્પાદક યુનિટો માટે કરોડોના રોકાણ જરૂરી થઇ પડેલ છે.
કપાસનો ઘટેલ પાક: કાપડના ઉત્પાદનમાં કપાસ જે મુખ્ય રો-મટીરીયલ્સ ગણી શકાય. પરંતુ આ વર્ષે કપાસના ઘટેલ ઉત્પાદનના લીધે કપાસના ભાવ વધીને રૂ. ૪૬૦૦૦ થી રૂ. ૪૭૦૦૦ સુધી પહોંચી ગયેલ છે. ૨૦૧૮-૧૯ના કપાસનો પાક ઘટાડીને ૩૨૧ લાખ ગાંસડી કરાયેલ છે.
કપાસમાં ૩૨૧ લાખ ગાંસડીનો પાક અને ૨૭ લાખ ગાંસડી આયાતનો સમાવેશ થાય તેવી ગણત્રી મુકવામાં આવેલ છે. સ્થાનિક વપરાશ ૩૧૬ લાખ ગાંસડી અને એક્ષપોર્ટ ૪૭ લાખ ગાંસડી રહેવાની ગણત્રી છે. ગયા વર્ષે કપાસનું એક્ષપોર્ટ ૬૯ લાખ ગાંસડી થયેલ હતી. સીઝનનાં અંતે કેરી ઓવર સ્ટોક ૧૩ લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે. જો કે આ વર્ષે વરસાદ માટેના સમાચાર સારા છે.
આના લીધે આગામી વર્ષે કપાસના વાવેતર અને પાક વધશે તેવી ગણત્રી કરવામાં આવી રહેલ છે. જો કે અત્યારે જે પ્રમાણે કપાસના ભાવ વધ્યા તેના લીધે કાપડ બનાવવાના કોસ્ટિંગ ઉચા જતા કાપડના ઉત્પાદક યુનિટો અને વેપારી વર્ગ કાપડના ગ્રે ના વધુ ભાવ માગી રહેલ છે. જો કે બજારમાં સખત નાણાભીંડના લીધે વધારે માગી રહેલ ભાવ મળવા મુશ્કેલ છે. જુના ભાવના કાપડના માલો સારા પ્રમાણમાં ખપી ગયેલ છે.
ગાર્મેન્ટમાં ઘટેલ એક્ષપોર્ટ: ૨૦૧૮-૧૯ના ગતવર્ષમાં ભારતની એપરલ એક્ષપોર્ટ ગયા વર્ષની સરખામણીએ ૩.૪૬ ટકા ઘટેલ છે. એક્ષપોર્ટ ઘટવાનું મુખ્ય કારણ જીએસટી હેઠળ નવા દરના લીધે માનવામાં આવે છે.
અગાઉના વર્ષમાં એપરલ એક્ષપોર્ટ ૧૬.૭૧ અબજ ડોલરની સામે આ વર્ષે ૧૬.૧૩ અબજ ડોલરની થવા પામેલ છે. જો કે રૂપિયાના સંદર્ભમાં એક્ષપોર્ટ ૪.૬૬ ટકાનો વધારો જોવા મળી રહેલ છે. જીએસટીના લીધે એક્ષપોર્ટરોને પ્રાપ્ત થતા પ્રોત્સાહનોમાં ૭ ટકાનો ઘટાડો જોવા મળેલ છે.
કાપડના ભાવ: કોટન પોપલીન રો ૬૩ પનો ૪૦/૪૦ ૧૨૦/૧૦૦ ક્વોલીટી ભાવ રૂ ૮૪ થયેલ છે. ફીનીશ ૫૮ પનાના ભાવ રૂ ૧૧૭ થયેલ છે. ૫૦ પીસી (પોલિયેસ્ટર કોટન) રૂ ૨૧.૫૦માં સોદા થયેલ છે. ૪૫ પીવી ૮૦/૭૬ ૧૦૭૦૦ ગ્રામ વજન ગ્રે રૂ ૨૭માં વેચાય છે. શીટીંગમાં ૫૦ પનો ૨૦૦ ગ્રામ ૨૦/૨૦ ૫૬/૬૦ રૂ ૩૮માં સોદા થયેલ છેે. ૨૪૫ ગ્રામ ૬૩ પનો ગ્રે રૂ ૪૫ ભાવ થયેલ છે.
૫૦ પનો ૨૦/૨૦ ૫૨/૫૨ ક્વોલીટી ૧૭૦ ગ્રામ વજન ગ્રે રૂ ૩૨માં સોદા થયેલ છે. આમાં ૫૯ પનો ૨૦૦ ગ્રામ ગ્રે રૂ ૩૮ અને ૭૨ પનો ૨૪૫ ગ્રામ ગ્રે રૂ ૪૭માં સોદા થયેલ છે. ધોતીમાં કોટન ૪૭ પનો ૬૪/૫૬ ધોતી જોટાના ભાવ રૂ ૧૯૫ અને પીસી ધોતીના ભાવ રૂ ૧૫૦ થયેલ છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UK30FU
via Latest Gujarati News
0 Comments