વિશ્વબજારમાં સોયાતેલમાં વધ્યા ભાવથી ઘટાડો જોકે ન્યુયોર્ક કોટન વાયદામાં આગળ ધપતી તેજી

મુંબઈ, તા. 07 એપ્રિલ, 2019, શનિવાર

મુંબઈ તેલ-બિયાં બજાર આજે ગુડીપડવા નિમિત્તે સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે વેપારો પાંખા હતા. વિશ્વબજારના સમાચાર પણ ઉછાળે વેચવાલી બતાવતા હતા. અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૪થી ૫ નરમ રહ્યો હતો જ્યારે ત્યાં સોયાખોળના ભાવ ૩૪થી ૩૯ પોઈન્ટ ઘટયા હતા. ઉપરાંત સોયાબીનના ભાવ પણ ૬૬થી ૭૪ પોઈન્ટ માઈનસમાં રહ્યાના સમાચાર હતા. જોકે ન્યુયોર્ક વાયદો ઓવરનાઈટ વધુ ૯૩ પોઈન્ટ ઉછળ્યો હતો. 

અમેરિકા તથા ચીન વચ્ચે ચાલી રહેલી વેપાર યંત્રણાઓમાં હવે કેવી પ્રગતી થાય છે તેના પર વિશ્વબજારના ખેલાડીઓની નજર રહી હતી. દરમિયાન, વિશ્વબજારમાં પામતેલના ભાવ મલેશિયામાં પામતેલના ભાવ સપ્તાહના અંતે વધી દોઢ મહિનાની નવી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. 

જોકે અમેરિકામાં શિકાગો સોયાતેલના ભાવ ઉંચેથી નીચા આવ્યા છે એ જોતાં હવે સોમવારે મલેશિયામાં પામતેલના ભાવ આરંભમાં કેવા ખુલે છે તેના પર વિશ્વબજારની નજર રહી હતી. વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવ ઉછળતા રહ્યા છે છતાં અમેરિકામાં સોયાતેલના ભાવ ઉંચા જવાના બદલે સપ્તાહના અંતે નીચા આવ્યા છે એ વિશે જાણકારો આશ્ચર્ય બતાવી રહ્યા હતા. મુંબઈ બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૯૯૦ બોલાઈ રહ્યા હતા જ્યારે રાજકોટ બાજુ ભાવ રૂ.૯૫૦થી ૯૭૫ તથા ૧૫ કિલોના રૂ.૧૫૨૦થી ૧૫૫૦ રહ્યા હતા જ્યારે ત્યાં કોટન વોશ્ડના ભાવ રૂ.૭૧૭થી ૭૨૦ રહ્યા હતા. 

મુંબઈ બજારમાં કપાસીયા તેલના ભાવ રૂ.૭૫૨ બોલાઈ રહ્યા હતા. સોયાતેલના ભાવ ડિગમના રૂ.૭૦૦ કુદાવી રૂ.૭૦૨ રહ્યા હતા જ્યારે રિફાઈન્ડના ભાવ રૂ.૭૪૨ રહ્યા હતા. રિફાઈન્ડના ભાવ આજે વધ્યા મથાળે સૂસ્ત રહ્યા હતા. સન ફલાવરના ભાવ રૂ.૭૦૫ તથા રિફાઈન્ડના રૂ.૭૬૫ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૭૬૫ વાળા રૂ.૭૭૦ રહ્યા હતા. પામતેલના હવાલા રિસેલના રૂ.૬૧૫ વાળા રૂ.૬૧૪ જ્યારે જેએનપીટીના રૂ.૬૧૦ વાળા રૂ.૬૧૨ રહ્યા હતા. વેપારો પાંખા હતા. 

તાજેતરમાં પામતેલના નોંધપાત્ર વેપારો થઈ ગયા પછી આજે હોલીડે મુડ જેવી સ્થિતિ વચ્ચે નવા કામકાજો પાંખા રહ્યા હતા. પામતેલમાં આવતા સપ્તાહમાં ભાવની રેન્જ નીચામાં રૂ.૬૦૮થી ૬૧૦ તથા ઉંચામાં રૂ.૬૨૦થી ૬૨૨ જેટલી રહેવાની ગણતરી બજારના જાણકારો આજે બતાવી રહ્યા હતા. વિશ્વબજારના સમાચાર મુજબ અમેરિકાએ મેક્સિકોથી થતી આયાત પર નવી ટેરીફ લાદવા વિચારણા શરૂ કરી છે. 

ઘરઆંગણે મગફળીની આવકો ગોંડલ બાજુ આશરે પાંચ હજાર ગુણી તથા રાજકોટ બાજુ આશરે ૧૦ હજાર ગુણી નોંધાઈ હતી તથા ત્યાં મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના જાતવાર રૂ.૮૨૦થી ૮૫૦ તથા ઉંચામાં રૂ.૯૩૫થી ૯૪૦ રહ્યા હતા. સિંગદાણામાં આગળ ઉપર ૧૫ એપ્રિલ પછી વિવિધ મથકોએ ઉનાળુ પાકની નવી આવકો વધવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2I4JCN2
via Latest Gujarati News

Post a Comment

0 Comments