
૨૦૧૪ કરતા આ વખતે વડા પ્રધાન પદ માટે વધુ લાંબી લાઇન લાગી છે : વડા પ્રધાન મોદીનો વિપક્ષોને ટોણો
આજે દુનિયા ભારતની વાત સાંભળે છે તેનું કારણ મોદી નહીં પણ પૂર્ણબહુમતવાળી સરકાર છે : વડા પ્રધાન
નવી દિલ્હી, તા. 31 માર્ચ, 2019, રવિવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત લોકસભાની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી અંગે વાત કરતા જણાવ્યું હતું કે ૨૦૧૪માં જ્યારે મને વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે પક્ષ દ્વારા પસંદ કરવામાં આવ્યો ત્યારે આ પદ માટે અનેક લોકોએ લાંબી લાઇનો લગાવી હતી અને અનેક લોકો વડા પ્રધાન બનવા માગતા હતા,
જોકે હવે ૨૦૧૯માં આ લાઇન વધુ મોટી થઇ ગઇ છે અને વડા પ્રધાન પદ માટેના દાવેદારોે પણ વધી ગયા છે. મોદીએ આ કટાક્ષ વિપક્ષના ગઠબંધનને ધ્યાનમાં રાખીને કર્યો હતો, સાથે દાવો કર્યો હતો કે આ વખતે અનેક લોકો વડા પ્રધાન બનવા માગે છે.
મોદીએ જણાવ્યું હતું કે આ દેશને રાજા મહારાજાઓ નહીં પણ ચોકીદારની જરુર છે. જે લોકો બાલાકોટ હુમલા બાદ મોદીને ગાળો આપી રહ્યા છે તેઓ આડકતરી રીતે પાકિસ્તાનને જ મદદ કરી રહ્યા છે. મોદીએ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં મૈ ભી ચોકીદાર કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધ્યા હતા.
આ કાર્યક્રમને જુદા જુદા આશરે ૫૦૦ જેટલા સ્થળોએ દેખાડવામાં આવ્યો હતો. વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત પણ કરવાનો પ્રયાસ મોદીએ કર્યો હતો. જે લોકોએ આ દેશને લૂટયો છે તેમણે એક એક રૂપિયાનો હિસાબ આપવો પડશે. આગામી દિવસોમાં હું દેશને લૂટનારાઓ પ્રત્યે વધુ આક્રામક પગલા લઇશ તેવો દાવો પણ મોદીએ કર્યો હતો.
મોદીએ ચોકીદાર અંગે વાત કરતા કહ્યંુ હતું કે ચોકીદાર કોઇ સિસ્ટમ નહીં પણ સ્પિરિટ છે, આ દેશને ચોકીદાર પ્રત્યે પ્રેમ છે અને તેને રાજાની જરુર નથી. દેશની જનતા ફરી સેવા માટે અમને તક આપવા જઇ રહી છે. મને ખુશી છે કે દેશનો યુવા દુર સુધીનુ વિચારે છે, ૨૦૧૯માં હું જ્યારે શપથ લઇશ ત્યારે એકલો નહીં હોઉ પણ મારી સાથે ૧૩૦ કરોડ હિંદુસ્તાનીઓ શપથ લેશે.
બાલાકોટમાં એર સ્ટ્રાઇકનો જસ લેવાનો આરોપ વિપક્ષ મોદી પર લગાવે છે ત્યારે મોદીએ કહ્યું હતું કે આ એર સ્ટ્રાઇક મે નહીં પણ દેશના જવાનોએ કરી હતી, આપણા સુરક્ષા દળોએ કરી હતી. તેથી આપણા દરેક વતી તેમને સેલ્યૂટ કરું છું. મોદીએ દાવો કર્યો હતો કે હું જ્યારે વિદેશમાં કોઇ મોટા નેતાને ગળે લાગુ છું ત્યારે તે મને નહીં પણ આ દેશની જનતાને ભેેટે છે. મારા માટે ચૂંટણી નહીં પણ દેશ પ્રાથમિક્તા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TMTht8
via Latest Gujarati News
0 Comments