મહિલાને પ્રેમ કરવાની આકરી સજા, પ્રેમીને ખભા પર બેસાડીને ચાલવાની ફરજ પડાઈ

નવી દિલ્હી,તા.14.એપ્રિલ 2019 રવિવાર

ગુજરાતની સરહદને અડીને આવેલા મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લામાં એક હેરતઅંગેજ ઘટના બની છે.જેમાં એક મહિલાને અન્ય જાતિના પુરુષ સાથે પ્રેમસબંધ બદલ જાહેરમાં વિચિત્ર સજા કરાઈ હતી.

ગામના લોકોએ મહિલાને તેને પ્રેમીને ખભે બેસાડીને ચાલવા માટે ફરજ પાડી હતી.આ ઘટનાનો વિડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી છે.

જાબુઆના દેવીગઢ નામના ગામની આ ઘટના છે.વાયરલ થયેલા વિડિયોમાં જોઈ શકાય છે કે, મહિલા પોતાના પ્રેમીને ખભે બેસાડીને લઈ જઈ રહી છે.તેની આસપાસ મોટુ ટોળુ છે.કાચા રસ્તા પર ખેતરોની વચ્ચે ચાલતી મહિલાની આસપાસ લોકો બૂમો પાડી રહ્યા છે, નાચી રહ્યા છે અને તેની મજાક ઉડાવી રહ્યા છે.કેટલાક લોકો મોબાઈલમાં આ ઘટના રેકોર્ડ કરતા જોઈ શકાય છે.

વીડિયોમાં દેખાય છે કે મહિલાના પગ ખભા પર બેઠેલા પુરુષના કારણે ડગમગી રહ્યા છે અને એવુ લાગે છે કે તે હમણા પડી જશે.તે આકરી ગરમીમાં ઝાડના છાંયડા નીચે શ્વાસ લેવા ઉભી રહે છે ત્યારે ભીડ તેની મજાક ઉડાવે છે.

જાબુઆ પોલીસે હવે આ વીડિયો વાયરલ થયા બાદ બે વ્યક્તિઓની ધરપકડ કરી છે.બીજા આરોપીઓને પકડવાના પ્રયત્નો ચાલુ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZazNTm
via Latest Gujarati News

Post a Comment

0 Comments