મુંબઈ,તા. 03 એપ્રિલ, 2019, બુધવાર
નિકાસની માગ વધતા સ્થાનિક બજારમાં જીરાના ભાવમાં તેજીનો વંટોળ ફૂંકાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે જીરાના ઉત્પાદનમાં વધારો થવાનો અંદાજ છે પરંતુ નિકાસની માગ વધતા ભાવ સારા મળવાની શક્યતા છે. નોંધનીય છે કે, જીરાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં સૌથી મોખરે આવે છે. જો કે, ભારત જીરાના કુલ ઉત્પાદનનો ૭પથી ૮૦ ટકા હિસ્સાનું વેચાણ સ્થાનિક બજારમાં કરે છે જ્યારે અન્ય જીરાનું ઉત્પાદન કરતા દેશો તેમના મોટાભાગના જીરાની નિકાસ કરે છે.
બ્રોકિંગ ફર્મ એન્જલ કોમોડિટીની રિપોર્ટ અનુસાર, ર૦૧૯માં જીરાનું ઉત્પાદન ૪,૧૬,૦૦૦ ટન થવાની શક્યતા છે. રાજસ્થાનમાં જીરાનું બમ્પર ઉત્પાદન થવાની શક્યતા છે. જ્યારે અગાઉના વર્ષના સમકક્ષ ગાળાની તુલનાએ નવ ટકા વૃદ્ધિ દર્શાવે છે. એનસીડેક્સ ખાતે એપ્રિલ જીરા ફ્યૂચર સતત ચોથા સપ્તાહે વૃદ્ધિમાં જોવા મળ્યા છે તેનું કારણ જીરાના નવા પાકમાં સુધારો માનવામાં આવે છે. અત્યારે નિકાસની જંગી માગને કારણે જીરાના ભાવમાં તેજી જોવા થવાની પુરે પુરી શક્યતા છે. બ્રોકિંગ કંપની એન્જલે જણાાયુ કે, નવી સીઝનમાં માગ વધતા બ્લકમાં ખરીદી થઈ રહી છે જેના કારણે ભાવમાં વધારો થઈ રહ્યો છે.
સ્પાઈસ બોર્ડના તાજેતરના આંકડા અનુસાર, આંતરાષ્ટ્રીય સ્તરે જીરાના ભાવ ૩.૧૯ ડોલર પ્રતિ કિલો બોલાઈ રહ્યા છે જ્યારે ગત મહિને ૩.૩૧ ડોલર પ્રતિ કિલો બોલાતા હતાં. જ્યારે અગાઉના વર્ષના સમાન ગાળામાં જીરાના ભાવ પ્રતિ કિલો ર.૮૭ ડોલર બોલાતા હતાં. ઉલ્લેખનીય છે કે, જીરાની નિકાસ મોટાભાગે ઈરાન, તુર્કી અને સિરિયા જેવા દેશો કરે છે
. સિરિયા અને તુર્કીમાં જીરાના નવા પાકની લણણી ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં થાય છે. જ્યારે ભારતમાં લણણી ફેબ્આરીથી માર્ચમાં થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી તુર્કી અને સિરિયા ખાતે જિયોગ્રાફિકલ તણાવને કારણે ભારતીય જીરાની માગમાં તેજી આવી છે.
અગાઉના વર્ષની તુલનાએ અત્યારે જીરાની નિકાસ ર૦.૮ ટકા વધીને ૯૪ર૯ ટન થઈ છે જ્યારે અગાઉના વર્ષે ૭૮૦૦ ટન જીરાની નિકાસ કરવામાંં આવી હતી. એપ્રિલથી જાન્યુઆરીના ગાળામાં જીરાની નિકાસ રપ ટકા વધીને ૧.૪૬ લાખ ટન થઈ છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TSlVJA
via Latest Gujarati News
0 Comments