ક્રૂડતેલ ઉછળી ચાર મહિનાની ટોચે: રૂપિયા સામે ડોલર ગબડયો: જોકે બ્રિટીશ પાઉન્ડ ફરી ઉછળ્યો

મુંબઈ, તા. 03 એપ્રિલ, 2019, બુધવાર

મુંબઈ ઝવેરી બજારમાં આજે આંચકા પચાવી ભાવ વધી આવ્યા હતા. વિશ્વ બજારના સમાચાર ઘટયા ભાવથી સુધારો બતાવતા હતા.  ઘરઆંગણે  કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવમાં ઘટાડો આગળ વધતાં ઝવેરી બજારમાં પ્રત્યાઘાતી સુધારો મર્યાદિત હતો. મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ રૂ.૬૮.૭૪ વાળા ૬૮.૭૨  ખુલી ઉંચામાં  ભાવ ૬૮.૮૫  થયા પછી નીચામાં ૬૮.૩૮ થઈ છેલ્લે બંધ ભાવ  રૂ.૬૮.૪૩ રહ્યા હતા. 

 ડોલરના ભાવ આજે વધુ ૩૧ પૈસા ઘટયા હતા  બ્રિટીશ પાઉન્ડના ભાવ ઘટતા અટકી ૪૦ પૈસા વધી રૂ.૯૦ની સપાટી વટાવી રૂ.૯૦.૦૫ થી ૯૦.૦૬ હતા.  બ્રેકઝીટ પ્રશ્ને  નવા બનાવો પર નજર વચ્ચે આજે કરન્સી બજારમા પાઉન્ડના ભાવ વધી આવ્યા હતા.   યુરોના ભાવ આજે  ૮ પૈસા ઘટી રૂ.૭૬.૯૬થી ૭૬.૯૭ હતા.

યુરોના ભાવ આજે રૂ.૭૭ની અંદર જતા રહ્યા હતા.  વિશ્વ  બજારમાં ડોલરનો ઈન્ડેક્સ  ઘટતા તેના પગલે વૈશ્વિક  સ્તરે આજે  સોનામાં ઘટાડે  ફંડવાળા ફરી દાખલ થયાની ચર્ચા હતી.   વિશ્વ બજારમાં   સોનાના ભાવ ઔંશના ૧૨૮૯ ડોલરવાળા વધી ૧૨૯૫  થઈ સાંજે ભાવ ૧૨૯૩.૪૦થી ૧૨૯૩.૫૦ ડોલર રહ્યા હતા. મુંબઈ ઝ વેરી બજારમાં આજે  સોનાના ભાવ ૧૦ ગ્રામના  જીએસટી વગર  ૯૯.૫૦ના રૂ.૩૧૪૬૮  વાળા ૩૧૪૭૪  તથા ૯૯.૯૦ના  ભાવ રૂ.૩૧૫૯૫ વાળા ૩૧૬૦૧  બંધ હતા જ્યારે   જીએસટી સાથેના ભાવ આ ભાવથી  ૩ ટકા ઉંચા બોલાયા હતા.

દરમિયાન મુંબઈ બજારમાં  ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૭૦૯૫ વાળા વધી રૂ.૩૭૨૧૫  બંધ રહ્યા પછી  સાંજે ભાવ  રૂ.૩૭૧૫૦થી ૩૭૨૦૦ તથા જીએસટી સાથેના ભાવ  આ ભાવથી રૂ.૧૧૦૦ જેટલા ઉંચા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના જે ૧૫ ડોલરની અંદર જતા રહ્યા હતા તે  ફરી ૧૫ ડોલર વટાવી  ૧૫.૨૦થી ૧૫.૨૧   ડોલર થઈ સાંજે ભાવ  ૧૫.૧૫થી ૧૫.૧૬ ડોલર હતા.   

દરમિયાન,  વિશ્વ બજારમાં  પ્લેટીનમના ભાવ  દોઢ ટકો વધી  સાંજે ભાવ  ૮૬૩.૫૦થી ૮૬૩.૬૦ ડોલર હતા.  પ્લેટીનમના ભાવ  સાંજે ૧૪૩૩ ડોલર બોલાયા હતા. વિશ્વ બજારમાં  ક્રૂડતેલના ભાવ  ઉંચકાતાં  તેની અસર  પણ સોનાના ભાવ પર આજે પ્રોત્સાહક હતી. 

 વિશ્વ બજારમાં આજે  ક્રૂડતેલના ભાવ વધી બેરલના સાંજે  ૬૯.૭૦ ડોલર રહ્યાના સમાચાર હતા.   ન્યુયોર્ક ભાવ વધી સાંજે  ૬૨.૭૦થી ૬૨.૭૫ ડોલર હતા.  ક્રૂડતેલના  ભાવ ચાર દિવસથી વધી રહ્યા છે.  નવેમ્બર ૨૦૧૮ પછીની નવી ઉંચી ટોચ આજે જોવા મળી હતી. ઓપેકનો પુરવઠો ઘટી ચાર વર્ષના તળિયે   ઉતર્યો છે. રશિયામાં  ઉત્પાદન ઘટયું છે.  જોકે  અમેરિકાના પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટના જણાવ્યા મુજબ ક્રૂડતેલનો સ્ટોક વધ્યો છે.  ચીન તથા  અમેરિકા વચ્ચે  વેપાર મંત્રણાના પગલે આશાવાદ વધતાં  ન્યુયોર્ક કોપર વાયદો વધી સાંજે  ૧.૧૦થી ૧.૨૦ ટકા ઉંચો બોલાયો હતો.

લંડન બજારમાં  કોપરના ભાવ વધી ટનના ત્રણ મહિનાની ડિલીવરીના વધી ૬૫૦૦ ડોલર નજીક ૬૪૯૩   ડોલર રહ્યાના સમાચાર હતા.ત્યાં કોપરનો સ્ટોક જોકે આજે  ૫૨૫ ટન વધ્યોહતો જ્યારે નિકલ તથા એલ્યુ.નો  સ્ટોક ઘટયાના સમાતાર હતા.  જસતનો સ્ટોક વધ્યો હતો.   વિશ્વ બજારમાં  સોનાના ભાવ ચાર સપ્તાહના  તળિયેથી આજે  ઉંચકાઈ  આવ્યા હતા.




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YVQS3g
via Latest Gujarati News

Post a Comment

0 Comments