આજે વર્લ્ડકપ માટેની ભારતીય ટીમની પસંદગી

નવી દિલ્હી, તા.૧૪

ઈંગ્લેન્ડમાં આવતા મહિને યોજાનારા આઇસીસીના વન ડે વર્લ્ડકપ માટેની ભારતીય ટીમની પસંદગી આવતીકાલે થશે. ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદની આગેવાની હેઠળની સિલેક્શન કમિટિની મિટિંગમાં વર્લ્ડકપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા ૧૫ ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે, ત્યારે સિલેક્ટરોએ ઘણા આકરા નિર્ણયો પણ લેવા પડશે. ભારતને વર્લ્ડકપ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે, ત્યારે પસંદગીકારોએ ત્રીજા ક્રમના બેટ્સમેન અંગે તેમજ બૅકઅપ વિકેટકિપરના મામલે મક્કમ મને નિર્ણય લેવાનો સમય આવી ગયો છે.

કેપ્ટન કોહલીની આગેવાની હેઠળની વર્લ્ડકપ માટેની ટીમમાં ઓપનર તરીકે રોહિત શર્મા અને શિખર ધવન તેમજ ફર્સ્ટ ચોઈસ વિકેટકિપર તરીકે ધોની, ઓલરાઉન્ડર કેદાર જાધવ અને હાર્દિક પંડયા, ફાસ્ટ બોલર તરીકે બુમરાહ તેમજ ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમીનું સ્થાન નક્કી મનાય છે. સ્પિનર તરીકે કુલદીપ યાદવ, ચહલ અને રવિન્દ્ર જાડેજા પણ ટીમમાં નિશ્ચિત છે.

આઇપીએલમાં ફોર્મ મેળવી ચૂકેલા લોકેશ રાહુલને બૅકઅપ ઓપનરની સાથે સાથે ત્રીજા ક્રમના બેટ્સમેન તરીકે તક આપવામાં આવે તો નવાઈ નથી. ભારતીય કેપ્ટન કોહલીએ અગાઉ જેને વર્લ્ડકપમાં ચોથા ક્રમના બેટ્સમેન તરીકે નિશ્ચિત ગણાવ્યો હતો તે રાયડુ ફોર્મ દેખાડી શક્યો નથી. આમ છતાં, રાયડુ છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાના કોમ્બિનેશનમાં સામેલ છે અને પસંદગીકારો તેને વર્લ્ડકપમાં તક આપશે જ તે લગભગ નક્કી મનાય છે.

વિકેટકિપર-બેટ્સમેન અંગેની પસંદગી માથાનો દુઃખાવો

પસંદગીકારોને મુંઝવતા પ્રશ્નોમાં વિકેટકિપર-બેટ્સમેનની પસંદગીનો સમાવેશ થાય છે. ભૂતપૂર્વ કેપ્ટન કમ બેટ્સમેન ધોનીએ તો ટીમમાં જ નહી પણ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન નિશ્ચિત કરી લીધું હોવાનું મનાય છે. આવી સ્થિતિમાં હવે પસંદગીકારોને દિનેશ કાર્તિક અને યુવા વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતમાંથી એકની પસંદગી કરવાની છે. દિનેશ કાર્તિકે વિકેટકિપીંગની સાથે બેટ્સમેન તરીકેની પરિપક્વ પ્રતિભા દર્શાવી છે. જ્યારે પંતે ટેસ્ટમાં શાનદાર દેખાવની સાથે તેની આક્રમક બેટીંગને સહારે આકર્ષણ ઉભું કર્યું છે. આવી સ્થિતિમાં પસંદગીકારો કાર્તિક કે પંતમાંથી એકને જ ટીમમાં સમાવી શકે તેમ છે, જેના કારણે હવે તેઓ કોની પર પસંદગીનો કળશ ઢોળે છે ? તે જોવાનું રહેશે.

ઈંગ્લેન્ડના વાતાવરણને આધારે બોલિંગ કોમ્બિનેશન નક્કી થશે

આગામી વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડનું વાતાવરણ પણ અત્યંત મહત્વની ભૂમિકા ભજવશે, જેના કારણે પસંદગીકારો ટીમના બોલિંગ કોમ્બિનેશનના સિલેક્શનમાં ખુબ જ સાવધાની રાખી રહ્યા છે. કુલદીપ યાદવ અને ચહલની સાથે રવિન્દ્ર જાડેજાને ત્રીજા સ્પિનર તરીકે ટીમમાં સમાવાશે તેમ મનાય છે. વર્ષ ૨૦૧૩માં ભારતે ઈંગ્લેન્ડમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ત્યારે જાડેજાએ સૌથી વધુ વિકેટ ઝડપીને સપાટો બોલાવ્યો હતો. જોકે ક્રિકેટ વર્તુળોમાં એવી ચર્ચા પણ છે કે, જુનમાં ઈંગ્લેન્ડમાં વરસાદી માહૌલ હોય છે અને આ કારણે ભારતે ત્રણથી વધુ ફાસ્ટરોને ટીમમાં સામેલ કરવા જોઈએ તેમ મનાય છે. આવી સ્થિતિમાં બુમરાહ, શમી અને ભુવનેશ્વર ઉપરાંત ટીમમાં સ્થાન મેળવવા માટે ઉમેશ યાદવ, ઈશાંત શર્મા, દીપક ચાહર, ખલીલ અને સૈની પણ સ્પર્ધામાં છે. 

ભારતીય ટીમમાં ફાસ્ટર બોલરનું સરપ્રાઈઝ સિલેક્શન ?

ઈંગ્લેન્ડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયા જ્યારે વધુ ફાસ્ટરોને ટીમમાં સમાવવા વિચારી રહ્યું છે આવી સ્થિતિમાં પસંદગીકારો સરપ્રાઈઝ સિલેક્શન તરીકે ફાસ્ટરને કે પછી ઓલરાઉન્ડરને તક આપી શકે છે. યુવા ઓલરાઉન્ડર વિજય શંકર ટીમમાં સ્થાન મેળવવાનો દાવેદાર છે, જે મીડલ ઓર્ડરમાં અચ્છો બેટ્સમેન સાબિત થઈ શકે છે તેમજ ફાસ્ટર તરીકે પણ પ્રભાવ પાડી શકે છે. આ ઉપરાંત ચેન્નાઈ સુપર કિંગ્સમાં સામેલ દીપક ચાહર પણ સરપ્રાઈઝ ઈન્ડિયા કોલ મેળવી શકે છે. આ ઉપરાંત ઉમેશ યાદવ, ઈશાંત શર્મા, ખલીલ યાદવ, સૈની કે પછી કૃણાલ પંડયાને પણ ટીમમાં સ્થાન આપવામાં આવે તેમ બની શકે. ભારતીય પસંદગી સમિતિના એક સભ્યએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે, 

ભારતની સંભવિત વર્લ્ડકપ ટીમ : કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, ધવન, એલ. રાહુલ, ધોની (વિ.કી.), જાધવ, હાર્દિક પંડયા, કુલદીપ યાદવ, ચહલ, બુમરાહ, ભુવનેશ્વર કુમાર, શમી, જાડેજા, પંત, દીપક ચાહર.

ટીમમાં સ્થાન મેળવવા માટેના અન્ય દાવેદારો : રાયડુ, વિજય શંકર, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા, દિનેશ કાર્તિક, ખલીલ અહમદ, રહાણે.




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VF55iV
via Latest Gujarati News

Post a Comment

0 Comments