
- વાશી-પનવેલ દરમ્યાન રેલવેમાં પ્રવાસ કરતાં દૈનિક મુસાફરોની સંખ્યા ૪.૮૯ લાખથી વધી ૫.૩૨લાખની થઈ
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 21 એપ્રિલ 2019, રવિવાર
મુંબઈ વિસ્તારમાં મકાનના ભાવો આસમાનને આંબી રહ્યા છે, ત્યારે ઘરની ઓછી કિંમતો, પહોળા અને ઉત્તમ રસ્તાઓ અને હરિયાળીને કારણે નવી મુંબઈમાં પોતાનું ઘર લેવા તરફ લોકોનું આકર્ષણ વધી રહ્યું છે. તાજેતરની આંકડાકીય માહિતીનુસાર, મધ્ય રેલવેમાં પ્રવાસ કરતાં મુસાફરોની સંખ્યા ૪૩ લાખથી વધી ૪૫ લાખ જેટલી થઈ ચૂકી છે. તેમાં નવી મુંબઈના પ્રવાસીઓનો પણ સમાવેશ છે. સામાન્યપણે નવી મુંબઈના આશરે આઠ ટકા પ્રવાસીઓ મધ્ય રેલવેનો ઉપયોગ કરે છે.
વાશી અને પનવેલ દરમ્યાન દરરોજના રેલવેના મુસાફરોના આંકમાં પણ વધારો થયો છે. ઉક્ત સ્ટેશનો દરમ્યાન પ્રવાસ કરનારાઓની સંખ્યા૪.૮૯ લાખથી વધી ૫.૩૨ લાખની થઈ છે. તેજ રીતે વાશી-થાણા દરમ્યાન ખાસ કરી ઐરોલી-સાનપાડા વચ્ચે ટ્રાન્સ હાર્બર લાઈનમાં પ્રવાસ કરનારાઓની દૈનિક સંખ્યામાં પણ ૨.૧૯ લાખથી ૨.૩૬ લાખ જેટલો વધારો થયો છે.
હાર્બર, ટ્રાન્સહાર્બર લાઈનમાં બેલાપુર, ખારઘર, ખાંદેશ્વર, કોપરખૈરણે, પનવેલ અને સીવુડ આ તમામ સ્ટેશનો પર પ્રવાસીઓની સંખ્યામાં સારો એવો વધારો નોંધાયો છે. માત્ર નેરુલથી આશરે દરરોજ ૭૪,૮૩૮ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. નવી મુંબઈમાં લોકોની માત્ર રહેવા માટે જ પસંદગી નથી તો અનેક નવી ઈન્ડસ્ટ્રીઓ પણ સ્થપાઈ રહી છે. એપીએમસી માર્કેટને કારણે પણ લોકોની વાશી તરફની માગ તથા રેલવેમાં પ્રવાસીઓની સંખ્યા વધતી જણાય છે.
ભવિષ્યમાં આવી રહેલ એરપોર્ટ, પ્રસ્તાવિક સીએસએમટી-પનવેલ ફાસ્ટ રેલવે લાઈન, મેટ્રો કોરિડોરને કારણે નવી મુંબઈમાં સ્થળાંતરિત થઈ રહેલાં લોકોની સંખ્યામાં ઝડપભેર વધારો થઈ રહ્યો છે. જોકે હાલમાં અહીં માત્ર બેજ રેલવે ટ્રેક આવેલાં હોવાથી યાંત્રિક ખામી સર્જાય ત્યારે ટ્રેનો સમયસર દોડાવી શકાતી નથી. તાજેતરમાં બેલાપુર/નેરુલ-ખારકોપર કોરિડોર શરુ કરાયું છે, જે નવી મુંબઈના આંતરિક વિસ્તારોને જોડે છે. મધ્ય રેલવે દરરોજ ૧,૭૭૪ ટ્રેનો દોડાવે છે, જેમાંની ૬૧૪ હાર્બર લાઈનમાં તો ૨૬૨ ટ્રાન્સહાર્બર લાઈન પર દોડે છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GxVe9j
via Latest Gujarati News
0 Comments