ઉત્તર-મધ્ય મુંબઈમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે વિરાસતનો જંગ


(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા. 21 એપ્રિલ 2019, રવિવાર

ઉત્તર-મધ્ય મુંબઈ લોકસભા મતદાર ક્ષેત્રમાં (વિલેપાર્લા, કાલીના, કુર્લા, બાંદરા, ચાંદીવલી સુધી) ફરી આ વખતે બે દિગ્ગજ રાજકારણીની પુત્રીઓ વચ્ચે વારસો જાળવી રાખવા ચૂંટણી મેદાનમાં આમને-સામને છે. ખાસ આ વખતે  મોદીની લહેર ન હોવાથી મતદારો કોને જીતનો તાજ પહેરાવે છે તેના પર મુંબઈગરાની નજર છે.

આ બેઠક પર ભાજપ-શિવસેના યુતિ તરફથી ભાજપના દિગ્ગજ નેતા પ્રમોદ મહાજનની પુત્રી અને વર્તમાન સાંસદ પૂનમ મહાજન ઊભા છે. જ્યારે પ્રતિસ્પર્ધી તરીકે ફિલ્મ અભિનેતા અને કોંગ્રેસના  દિગ્ગજ નેતા  સુનીલ દત્તની પુત્રી તેમ જ ભૂતપૂર્વ સાંસદ પ્રિયા દત્ત ચૂંટણીના મેદાનમાં ફરી ટકારાયા છે.

હવે આ બન્ને વારસદાર પોતાના પિતાનો  રાજકીય વારસો  અને પ્રતિષ્ઠા આગળ વધારવા મથામણા કરી રહ્યા છે.

આ મતદાર ક્ષેત્રમાંથી ૨૦ ઉમેદવારો પોતાનું ભાવિ અજમાવી રહ્યા છે. એમાં ૧૬ પુરુષ અને ચાર મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે.

આ મતદાર ક્ષેત્રમાંથી વર્ષ ૨૦૦૯માં  પ્રિયા દત્ત ચૂંટાઈને આવ્યા હતાં. ત્યારબાદ  વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં મોદીની લહેરમાં ભાજપની ઉમેદવાર પૂનમ મહાજન પોતાના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર પ્રિયા દત્ત કરતાં ૧.૮૦ લાખ મતની સરસાઈથી ચૂંટાઈને આવ્યા હતા. પરંતુ આ વખતે સરળતાથી પૂનમ મહાજન ચૂંટાઈને આવે એમખાસ નજરે  પડતું નથી. એવી ચર્ચા  રાજકીય વર્તુળોમાં  છે અહીં સીધી ટક્કર પૂનમ મહાજન અને પ્રિયા દત્ત વચ્ચે છે. બાકીના ઉમેદવાર મત કાપવા પૂરતી ભૂમિકા ભજવશે.

અહીં શિવસેના-ભાજપના પાંચ વિધાનસભ્ય

ઉત્તર મધ્ય મુંબઈ લોકસભાની બેઠક અંતર્ગત છ વિધાન સભ્ય છે એમાં ત્રણ શિવસેના, બે ભાજપ એક શિવસેના પાસે વિધાનસભા છે. આ વિધાનસભ્યોનો જનાધાર પૂનમ મહાજનની તરફેણમાં ભૂમિકા ભજવે તેવી સંભાવના છે.

મતોનું ગણિત

વર્ષ ૨૦૧૯માં  આ બેઠક પર કુલ ૧૬,૪૭,૬૩૯ મતદાતા છે. એમાં  ૯ લાખ ૧૮૧ પુરૂષ અને ૭ લાખ ૧૭ હજાર ૪૪૨ મહિલા મતદારો છે. આ બેઠક  પર લગભગ૬ લાખથી વધુ મરાઠી, લગભગ ૪ લાખ ૧૪ હજાર  મુસ્લિમ અને ૨ લાખ ૭૩ હજાર ઉત્તર ભારતીય અને હાર-જીત તપ કરનારા ૧ લાખ ૮૦ હજાર ગુજરાતી અને રાજસ્થાની સમાજના લગભગ ૭૭ હજાર ક્રિશ્ચિયન તથા અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

મરાઠી મતોમાં  વિભાજન

આ વખતની મહારાષ્ટ્ર નવનિર્માણ ેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ દેશમાંથી ભાજપ હટાવવાનું બીડું ઝડપ્યું છે. આથી મનસેના મરાઠીના મતો  કોંગ્રેસ-એનસીપી ગઠબંધનના ઉમેદવારના તરફેણમાં  પડે એવી  પૂરેપરી શક્યતા છે અને રાજ ઠાકરેએ ખુલ્લે આમ એન.સી.પી.અને કોંગ્રેસના ઉમેદવારને  સમર્થન આપવાનું  જાહેર કરાયું છે. તેમજ અહીં ઉત્તર ભારતીય મરાઠી અને  મુસ્લિમ મતદારો ૨૫ ટકાના સમીકરણને લીધે કોંગ્રેસ-એન.સી.પી.ના ઉમેદવાર પ્રિયા દત્તનું  જીતનું  પલ્લુંભારે  હોવાનું રાજકીય નિષ્ણાતોનું  કહેવું છે.

જ્યારે દલિત મત આપ, બસપા અને સપામાં વહેંચાઈ જશે.

વર્ષ ૨૦૧૪માં ભાજપના પૂનમ મહાજને ૪,૭૮,૫૩૫ મત  મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના પ્રિયા દત્તને ૨,૯૧,૭૬૪ મત, આપના ઉમેદવાર ફિરોઝ પાલખીવાલાને ૩૪,૮૨૪ મત, બસપાના આનંદ શિંદેને ૧૦૧૨૮ મત મળ્યા હતા.  આમ પૂનમ મહાજન મોદીના લહેરમાં  ચૂંટાઈ આવ્યા હતા.

પૂનમ મહાજન સાંસદ બન્યા બાદ  પોતાના મતદારે ક્ષેત્રમાં  ખાસ જનસંપર્ક રાખ્યો નથી એમ કેટલાક રહેવાસીઓ કહે છે. જ્યારે પ્રિયા દત્ત હારી  ગયા બાદ આ વિસ્તારમાં નજરે પડતાં  ન હતાં. પ્રિયા દત્ત ચૂંટણી લડવાના નથી એવું જાહેર થયું હતું. આથી કેટલાક અન્ય દિગ્ગજ કૃપાશંકર સિંહ, નસીમખાન ઉમેદવારી મેળવવા માટે દાવો કરતા હતા.  પરંતુ પ્રિયા દત્તે કોંગ્રેસ મોવડી મંડળ સમક્ષ  અહીંથી ચૂંટણી લડવાની ઈચ્છા બતાવી હતી. તેમના પિતા સુનિલ દત્તની પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને ઉમેદવારી તેમને અપાઈ હતી, એવું ચર્ચાઈ રહ્યું છે.

પ્રિયા દત્તની ચૂંટણી પ્રચારમાં તેમનો ભાઈ અને ફિલ્મ અભિનેતા સંજય દત્ત  ઉતર્યા છે. બીજી તરફ પૂનમ મહાજનની પણ પ્રચાર રેલીમાં  લોકોનો   પ્રતિસાદ મળી રહ્યો છે. આથી આ બેઠક પર બન્ને દિગ્ગજ નેતાની પુત્રીઓ પૂનમ-પ્રિયાદત્ત વચ્ચે વારસાઈ સાચવી રાખવાનો જગં છે.

આ બેઠક પર કોઈ રાજકીય પક્ષનો દબદબો નથી રહ્યો

ઉત્તર-મધ્ય મુંબઈ લોકસભાની બેઠકનો ઈતિહાસ ખૂબ જ અટપટો છે. અહીં ક્યારેક ભાજપ તો કોંગ્રેસ, શિવસેના અને આર.પી.આઈ. ઉમેદવાર જીતીને આવ્યા છે.

આ સીટ પર વર્ષ ૨૦૧૪માં  ભાજપના પૂનમ  મહાજન, વર્ષ ૨૦૦૯માં કોંગ્રેસના પ્રિયા દત્ત, વર્ષ ૧૯૯૯માં શિવસેનાથી મનોહર જોશી તો ૧૯૯૮માં આર.પી.આઈ.ના રામદાસ આઠવલેએ જીત હાંસલ કરી હતી. વર્ષ ૧૯૯૬માં શિવસેનાના નારાયણ આઠવલે તો વર્ષ ૧૯૯૧માં કોંગ્રેસના શરદ દિધે, વર્ષ ૧૯૮૯માં શિવસેનાથી વિદ્યાધર ગોખલે, વર્ષ ૧૯૮૪ કોંગ્રેસના શરદ દિધે, વર્ષ ૧૯૮૦માં જનતા પાર્ટીથી પ્રમિલા મધુ દંડવતે અને વર્ષ ૧૯૭૭માં  સી.પી.આઈ. (એમ)થી અહિલ્યા રાંગેકર જીત્યા હતા.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IJd1Mi
via Latest Gujarati News

Post a Comment

0 Comments