કઠોળમાં પલ્ટાતા પ્રવાહો: ભાવ સપોર્ટ પ્રાઈસથી ઉંચા જવાની શક્યતા



દેશમાં દાળ-કઠોળ બજારમાં તાજેતરમાં મિશ્ર પ્રવાહો જોવા મળ્યા છે. ચણાના ભાવ વધી ઉંચામાં ત્રણ મહિનાની નવી ઉંચી ટોચે બોલાતા થયા છે. ઓસ્ટ્રેલિયાથી દેશમાં આવતી ચણાની આયાત તાજેતરમાં ઘટી છે. આયાત-જકાત ઉંચી રહી છે. ચણામાં મધ્ય-પ્રદેશ માં ઉત્પાદન વિશેષ થાય છે. 

અને ત્યાં ઈન્દોર મંડીમાં ચણાના ભાવમાં થતી વધઘટ પર દેશભરના  કઠોળ બજારના ખેલાડીઓની નજર મંડાયેલી રહી છે. તાજેતરમાં ઈન્દોર બજારમાં ચણાના ભાવ ઉંચા ગયા છે તથા ત્રણ મહિનામાં આવા ભાવ આશરે ૮થી ૧૦ ટકા જેટલા ઉંચા ગયાનું ત્યાંના સમાચાર જણાવી રહ્યા હતા. ત્યાં ચણાના ભાવ કિવ.ના રૂ.૪૩૫૦ બોલાયા હતા. ચણા વાયદા બજારમાં જૂન ડિલીવરીના ભાવ રૂ.૪૪૬૦ બોલાયા હતા. 

નમકીન તથા પેકેજ ફૂડ  બનાવતા ઉત્પાદકોની માગ તાજેતરમાં ચણા બજારમાં દેખાઈ હતી.  દેશમાં ૨૦૧૮-૧૯ના પાક વર્ષમાં ચણાનો પાક આશરે ૮ ટકા ઘટી ૧૦૩થી ૧૦૪ લાખ ટન આસપાસ થવાનો અંદાજ બતાવાઈ રહ્યો છે. ચણાના વાવેતર હેઠળનો વિસ્તાર આશરે ૮થી ૧૦ ટકા ઘટયો છે. ચણાની આવકો રાજસ્થાન, મધ્ય-પ્રદેશ તથા મહારાષ્ટ્રના બજારોમાં અપેક્ષાથી ઓછી દેખાઈ હતી.

સ્ટોક પણ ઓછો રહ્યો છે. માર્ચ મહિનામાં  ચણાના ભાવ આશરે ૫થી ૬ ટકા ઉંચા ગયા છે.ચણાની આયાત જકાત વધી છે. ઉંચી આયાત-જકાતના પગલે ચણાની આયાતો પણ ઘટી છે. ૨૦૧૮ના એપ્રિલથી ૨૦૧૯ના જાન્યુઆરીના આશરે ૧૦ મહિનાના ગાળામાં  ઘરઆંગણે ચણાની આયાત નોંધપાત્ર ઘટી આશરે દોઢ લાખ ટન જેટલી આવી છે જે પાછલા વર્ષે આ ગાળામાં ખાસ્સી વધુ આવી હતી.

દરમિયાન, મધ્ય-પ્રદેશમાં મંડીઓમાં તાજેતરમાં મસૂરના ભાવ નીચામાં રૂ.૩૭૫૦થી ૩૮૦૦ તથા ઉંચામાં રૂ.૪૦૨૫થી ૪૦૫૦ સુધી જોવા મળ્યા છે. જ્યારે મસૂર દાળના ભાવ રૂ.૪૯૦૦થી ૫૦૦૦ તથા સારાના ભાવ રૂ.૫૧૦૦થી ૫૨૦૦ રહ્યા હતા.  મગના ભાવ રૂ.૫૫૦૦થી ૫૭૦૦ તથા મિડિયમના રૂ.૪૮૦૦થી ૫૦૦૦ રહ્યા હતા.

દેશમાં આયાત થતા વિવિધ કઠોળો પર આશરે ૧૪-૧૫ મહિના પૂર્વે સરકારે જથ્થાત્મક નિયંત્રણો લાદયા હતા. આ ઉપરાંત આયાત જકાત પણ વધારી હતી એ વખતે ઘરઆંગણે દાળ-કઠોળના બજારભાવ ખાસ્સા ગબડી ગયા હતા અને ખેડૂતોને ફટકો પડયો હતો તેમાંથી તેમને ઉગારવા એ વખતે સરકારે આવા અંકુશો લાદયા હતા. આવા અંકુશો બાદ બજાર ભાવ તળિયેથી  ઉંચકાયા હતા.

જોકે હજી પણ ઘણાકઠોળના ભાવ મથકોએ સરકારના ટેકાના ભાવ કરતાં ઓછા રહ્યા છે  પરંતુ એકંદરે બજારનો ટ્રેન્ડ  પોઝીટીવ બન્યો છે.  ચણામાં બજારભાવ ઉંચકાઈ રૂ.૪૬૫૦ના ટેકાના ભાવ નજીક જવા પ્રયત્નો કરી રહ્યા છે.  તુવેરના ટેકાના ભાવ રૂ.૫૬૭૫ રહ્યા છે જ્યારે બજાર ભાવ રૂ.૫૨૦૦થી ૫૩૦૦ રહ્યા હતા.  બજાર ભાવ હવે પછી ટેકાના ભાવ નજીક પહોંચી  જવાની શક્યતા  જાણકારો બતાવી રહ્યા હતા. 

દેશમાં આ પૂર્વે કઠોળનું વાર્ષિક સરેરાશ ઉત્પાદન વધી ૨૩૦થી ૨૪૦ લાખ ટનનું થવા માંડતાં તથા આયાતી કઠોળની આવકો પણ વાર્ષિક ધોરણે વધી ૬૦ લાખ ટન આસપાસ થવા માંડતા પાછલા બે વર્ષ દરમિયાન ઘરઆંગણે દાળ-કઠોળનો પુરવઠો ખાસ્સો વધી ગયો  હતો.  હાલ પણ સ્ટોક પુરવઠો ઉંચો છે અને આગળ ઉપર માગ વધશે તો આવો માલબોજો હળવો થવાની  શક્યતા છે. જોકે  બજાર ભાવ વધુ ઉંચા જઈ ટેકાના ભાવની ઉપર બોલાતા થવાની શક્યતા જાણકારો  બતાવી રહ્યા હતા.

દરમિયાન, બજારના જાણકારો મુજબ પાછલા બે વર્ષમાં સરકારના ખાસ કરીને ચણા તથા તુવેરના પાકના અંદાજાઓ પણ વધુ પડતા આવ્યા છે અને હકીકતમાં આ પાકો અંદાજથી આશરે  ૧૪થી ૧૫ ટકા ઓછા આવ્યા છે. 

તાજેતરમાં અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ તેમજ હેકટરદીઠ ધારણા કરતા ઓછી પેદાશના કારણે પણ ચણાનો પાક આ વર્ષે પણ અપેક્ષાથી ઓછા આવશે એવી ગણતરી બજારના  ખે લાડીઓ બતાવી રહ્યા છે.

આ જોતાં ચણાનો પાક ૮૫થી ૮૮ લાખ ટન આવે તો પણ નવાઈ નહીં એવી ગણતરી બતાવાતી થઈ છે. સરકાર પાસે કઠોળના જથ્થો આશરે ૨૭થી ૨૮ લાખ ટનનો મનાઈ રહ્યો છે. ભારતથી કઠોળની નિકાસ વધારવાના પ્રયત્નો  સરકાર કરતી રહી છે પરંતુ આ પ્રયત્નો વિશેષ સફળ થયા નથી એવો વર્તારો મળી રહ્યો છે.  ૨૦૧૮-૧૯માં માંડ બે લાખ ટન કઠોળની તથા મુખ્યત્વે  કાબુલી ચણાની નિકાસ થઈ છે.

હવે પછી ચોમાસાની ચાલ પર બજારની નજર રહેશે. જોકે આગામી વરસાદ પર અલનીનોની અસર જોવા મળશે એવી શક્યતા બતાવતા  સમાચારો પણ તાજેતરમાં બહાર આવ્યા છે. દરમિયાન, આગળ ઉપરના મહિનાઓમાં  તહેવારો આવી રહ્યા છે એ વખતે દાળ-કઠોળની  માગમાં પણ વૃદ્ધી થવાની આશા છે. જોકે ભાવ વધશે તો સરકારની એજન્સીઓ પોતાના હાથ પર રહેલો જથ્થો વેંચવા કાઢે એવી પણ ગણતરી જાણકારો બતાવી રહ્યા છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gj0dJF
via Latest Gujarati News

Post a Comment

0 Comments