
નવી દિલ્હી, તા. 25 એપ્રિલ, 2019, ગુરૂવાર
નરેન્દ્ર મોદીએ વારાણસીમાં ભવ્ય રોડ શો યોજી ગંગા આરતી કરી હતી, વારાણસીથી ઉમેદવારીપત્ર ભરવામાં આવે તેના એક દિવસ પહેલા જ મોદીએ મતદારોને આ રોડશો દ્વારા આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે જ્યારે હવે ચાર તબક્કાનું બાકી છે.
ઉત્તર પ્રદેશમાં માયાવતી અને અખિલેશના ગઠબંધન વચ્ચે મોદીએ આ રોડ શો યોજીને ભાજપ તરફી માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આશરે સાત કીમી લાંબા આ રોડ શોની શરૃઆત મોદીએ પંડિત મદન મોહન માલવિયાના સ્મારકને પુષ્પાહાર કરીને કરી હતી. શહેરના અસ્સી અને લંકા વિસ્તારમાંથી મોદીનો આ રોડ શો પસાર થયો હતો, અહીં આવેલા દશાસ્વમેઢ ઘાટ પર આ રોડ શો અટક્યો હતો જ્યાં મોદીએ બાદમાં ગંગા આરતી કરી હતી. તેમની સાથે યોગી આદિત્યનાથ અને અમિત શાહ સહીતના નેતાઓ પણ હતા.
વારાણસી પહોંચ્યા પહેલા મોદીએ જણાવ્યું હતું કે દરભંગા અને બાંદામાં બંપર રેલી બાદ હવે હું કાશીમાં જઇ રહ્યો છું. કાશીમાં મારા ભાઇઓ અને બહેનોને મળીશ. બાદમાં વારાણસીમાં મોદી ભગવા રંગના કુર્તામાં પહોંચ્યા હતા. અહીં તેમણે પોતાના સમર્થકોનું અભિવાદન કર્યું હતું અને રોડ શો યોજ્યો હતો. શુક્રવારે બપોરે ૧૨.૩૯ કલાકે મોદી વારાણસીથી ઉમેદવારીપત્ર ભરશે, જે દરમિયાન જદ(યુ)ના નિતિશ કુમાર, શિવ સેનાના વડા ઉદ્ધવ ઠાકરે પણ તેમની સાથે જોડાશે,
આ ઉપરાંત પંજાપના શીરોમણી અકાળી દળના વડા અને પૂર્વ મુખ્ય પ્રધાન પ્રકાશસિંહ બાદલ, એલજેપીના રામ વિકાસ પાસવાન પણ મોદીના ઉમેદવારીપત્ર ભરવાના કાર્યક્રમમાં જોડાશે. આ ઉપરાંત મોદી શુક્રવારે બુથ હેડ અને વર્કરોને સંબોધશે. એઆઇએડીએમકે, અપના દલ અને ઉત્તરપૂર્વી રાજ્યોના એનડીએ સમર્થક પક્ષોના નેતાઓને પણ મોદી આ દરમિયાન પોતાની સાથે રાખશે.
દરમિયાન પહેલી મેએ મોદી અયોધ્યામાં પણ એક રેલીને સંબોધવાના છે. ભાજપના નેતાઓએ આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે અયોધ્યામાં જે રેલીને સંબોધવાના છે તે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આયોજીત કરાઇ છે. જ્યાં આગામી છ મેના રોજ પાંચમાં તબક્કામાં મતદાન યોજાવાનું છે. વારાણસી ગયા તે પહેલા મોદીએ બિહારમાં રેલીને સંબોધી હતી જ્યાં તેમણે કહ્યું હતંુ ફાનસના દિવસો ગયા હવે દરેકને વિજળી મળી ગઇ છે. લાલુને ટોણો મારતા તેમણે આ નિવેદન કર્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vlREbY
via Latest Gujarati News
0 Comments