
ભારતમાં 30 કરોડ લોકો ટિક-ટોક કરતાં થઈ ગયા હતા
બિજિંગ, તા.23 એપ્રિલ, 2019, મંગળવાર
જોખમી વીડિયો એપ ટિક-ટોક પર ભારતે પ્રતિબંધ મુકી દીધો છે. ભારતના આ પ્રતિબંધના પડઘા ચીનમાં પડયા છે. કેમ કે આ એપ્લિકેશન (એપ) ચીની કંપની બીટેન્ડન્સ ટેકનોલોજીની માલિકીની છે. ભારતના પ્રતિબંધ પછી કંપનીને રોજ અંદાજે ૫ લાખ ડૉલર (સાડા ત્રણ કરોડ રૃપિયા)નું નુકસાન જઈ રહ્યું છે. એટલું જ નહીં કંપનીની આર્થિક સ્થિતિ નબળી પડી રહી છે. માટે કંપની ૨૫૦ કર્મચારીઓને છૂટા કરે એવી પણ આશંકા છે. ટિક-ટોક એ ટૂંકા અને સ્પેશિયલ ઈફેક્ટ્સ ધરાવતા વીડિયો બનાવી આપતી એપ છે.
કંપનીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ આ વિગત રજૂ કરી હતી. મદ્રાસ હાઈકોર્ટ ટિક-ટોક પર પ્રતિબંધ મુકી દીધો છે. હવે તેના પર ૨૪ તારીખે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. માટે ચીની કંપનીએ આ એપ પરનો પ્રતિબંધ ન લંબાય એ માટે આ વિગતો કોર્ટને પૂરી પાડી હતી. આ એપ થોડા વખત પહેલા ભારતમાં લૉન્ચ થઈ હતી. એ પછી તેને પ્રચંડ લોકપ્રિયતા હાંસલ થઈ હતી. જોતજોતામાં ભારતમાં ૩૦ કરોડ વપરાશકારો થઈ ગયા હતા.
ટિક-ટોક એપ તૈયાર કરનારી કંપની ચાઈનિઝ સ્ટાર્ટ અપ છે. માટે તેને જો આ રીતે આર્થિક નુકસાન ચાલુ રહે તો કંપની ચલાવવી મુશ્કેલ થઈ પડે. બીજી તરફ આ એપ લોકપ્રિય બની હતી. તેના પર પ્રતિબંધ આવતા વપરાશકારો પણ નારાજ થયા છે. ભારતમાં ઈન્ફર્મેશન ટેકનોલોજી અંગેના કાયદા ઘણા સંકૂચિત હોવાનું ટેકનોલોજી કંપનીઓ માને છે. કેમ કે દુનિયાભરમાં જેની છૂટ હોય તેના પર ભારત પ્રતિબંધ મુકે છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LcVj75
via Latest Gujarati News
0 Comments