નવી દિલ્હી, તા.૧૭
અંબાતી રાયડુ અને રિષભ પંત જેવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની ક્ષમતા પુરવાર કરી ચૂકેલા ખેલાડીઓને વર્લ્ડકપની ટીમમાં ન સમાવવાને કારણે ભારતીય ટીમની પસંદગી સમિતિની ભૂતપૂર્વ ક્રિકેટરો તેમજ ટોચના વિવેચકોએ ઉગ્ર ઝાટકણી કાઢી હતી. ચોતરફથી સર્જાયેલા પ્રચંડ દબાણને પરીણામે પસંદગી સમિતિ ઝૂકી ગઈ હતી અને તેમણે રાયડુ અને પંતની સાથે સૈનીને વર્લ્ડકપના સ્ટેન્ડબાય તરીકે જાહેર કર્યા હતા. ટૂંકમાં હવે જો વર્લ્ડકપની ટીમમા સામેલ કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત બને તો આ ખેલાડીઓને વર્લ્ડકપ રમવા મળી શકે. હવે આ સ્ટેન્ડબાય ખેલાડીઓ રાહ જોશે કે વર્લ્ડકપની ટીમમાં સામેલ કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે કે નહી !?!
રાયડુ અને પંતને સ્ટેન્ડબાય તરીકેની પસંદ કરીને એમએસકે પ્રસાદની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ તેમની સામેના ઉગ્ર રોષને શાંત કરવાનો પ્રયાસ કર્યો છે. જોકે એક પણ વન ડે ન રમેલા સૈનીને સ્ટેન્ડબાય જાહેર કરતાં પસંદગીકારોએ વધુ એક છબરડો કર્યો હોવાનું મનાય છે. અગાઉ ભારતીય બેટ્સમેનોને પ્રેક્ટિસ આપવા માટે જે ચાર બોલરો ટીમની સાથે ઈંગ્લેન્ડ જવાના હતા, તેમાં પણ સૈની સામેલ હતો. હવે માત્ર ખલીલ અહમદ, દીપક ચાહર અને અવેશ ખાન ભારતીય બેટસમેનોના નેટબોલર્સ તરીકે ઈંગ્લન્ડ જશે.
બીસીસીઆઇના સીનિયર ઓફિસિઅલે જાહેરાત કરી કે, ચેમ્પિયન્સ ટ્રોફીની જેમ અમે ત્રણ સ્ટેન્ડબાયની જાહેરાત કરી છે. અમારો ફર્સ્ટ સ્ટેન્ડબાય રિષભ પંત છે, સેકન્ડ સ્ટેન્ડબાય અંબાતી રાયડુ છે અને સૈની બોલર્સ માટેનો સ્ટેન્ડબાય છે. જો કોઈ ઈજાગ્રસ્ત બનશે તો આ ત્રણમાંથી જરુરીયાત મુજબના ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવશે.
આઇસીસીએ અગાઉ જ જાહેરાત કરી હતી કે, હવે દરેક દેશે તેની ફાઈનલ વર્લ્ડકપ ટીમ જ જાહેર કરવાની રહેશે. પહેલાની જેમ સંભવિતોની જાહેરાત બાદ આખરી ટીમની પસંદગી નહી થાય. ભારતીય ખેલાડીઓ જો સંપૂર્ણપણે ફિટનેસ જાળવી રાખશે તો આ સ્ટેન્ડબાય ખેલાડીઓને માત્ર ટીવી પર જ વર્લ્ડકપ જોવો પડશે તે નક્કી મનાય છે.
રાયડુના સ્થાને શંકરને વર્લ્ડકપની ટીમમાં સામેલ કરવાના નિર્ણયનો બચાવ કરતાં ચીફ સિલેક્ટર પ્રસાદે કહ્યુ હતું કે, શંકર અચ્છો ફિલ્ડર છે. તેની સાથે સાથે તે મીડલ ઓર્ડરમાં જરુરીયાતના સમયે સારી બેટીંગ કરી શકે છે અને મીડિયમ પેસ બોલિંગ પણ કરી શકે તેમ છે. આવી પરિસ્થિતિમાં તે રાયડુ કરતાં ચડિયાતો હોવાથી અમે તેના પર પસંદગી ઉતારી છે.
ગાવસ્કર, ગંભીર અને વૉને પસંદગીકારોની ટીકા કરી હતી
માત્ર છ ટેસ્ટ રમેલા ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદની આગેવાની હેઠળની સમિતિએ વર્લ્ડકપની ટીમની જાહેરાત કરતાં વિવાદ સર્જાયો હતો. ભૂતપૂર્વ કેપ્ટન ગાવસ્કરે પંતની ગેરહાજરી અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતુ. જ્યારે ગૌતમ ગંભીરે દલીલ કરી હતી કે, પંત તેને મળેલી તકનો ફાયદો ઉઠાવી શક્યો નહતો, પણ રાયડુ જેવા અનુભવી અને ઈન ફોર્મ બેટ્સમેનને ટીમ ઈન્ડિયામાં કેવી રીતે સ્થાન ન અપાયું તે ખરેખર ચર્ચાનો વિષય છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વૉને પણ પસંદગીકારોની આકરી ટીકા કરી હતી.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Dh6CEC
via Latest Gujarati News
0 Comments