ન્યૂજર્સીમાં રહેતા પતિ-પત્ની મતદાન માટે અમદાવાદ આવ્યા

આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો માટે મતદાન યોજાયું હતું. કેટલાક લોકો મતદાન મથક નજીક હોવા છતાં મત આપવા જતા નથી પરંતુ અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતા ગુજરાતી કપલ પાર્થ પંડયા અને માનસી  મત આપવા માટે ન્યૂજર્સીથી અમદાવાદ આવ્યા છે. આ અંગે વાત કરતા પાર્થ પંડયા કહે છે  આમ તો મોટે ભાગે વર્ષના અંતમાં  ડિસેમ્બર મહિનામાં અમદાવાદ આવવાનું થતું હોય છે પરંતુ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મતદાન કરી શકાય તે માટે હાલમાં અમદાવાદ આવવાનું પસંદ કર્યુ છે. જયારે ૨૦૧૬માં લગ્ન થયા પછી ન્યૂજર્સીમાં સાથે  રહેતી પત્ની માનસી માત્ર ૪ મહિના પહેલા અમદાવાદ આવી હતી છતાં ખાસ મતદાન માટે ફરી અમદાવાદ આવી છે. 

પાર્થ અમદાવાદમાં બી.કોમ., એમબીએ થયા પછી બિઝનેસ માટે ૨૦૦૯થી અમેરિકા સ્થાયી થયા છે પરંતુ ભારતનું નાગરિકત્વ ધરાવે છે. માનસી નવરંગપુરામાં જયારે પાર્થ નારણપુરા વિસ્તારના વિજયનગરમાં  મતદાન કરશે. ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણીમાં મતદાન માટે આવ્યો હતા પરંતુ લોકસભા ઇલેકશનમાં મત આપવાની પ્રથમ વાર તક મળી છે. આ કપલના કહ્યું કે હવે અમેરિકામાં રહેતા ભારતીયોમાં માહોલ બદલાયો છે, ક્રિકેટની મેચ હોય કે રાજકારણ ભારતમાં બનતી ઘટનાઓ અંગે જાણકારી મેળવવામાં લોકોનો રસ વધતો જાય છે. એટલું જ નહી પોતાના ગુ્રપમાં બેસીને ઇલેકશનની ચર્ચાઓ પણ કરતા થયા છે. પુલવામા હુમલો થયો ત્યારે અનેક ભારતીયોએ પાકિસ્તાન એમ્બેસી પાસે દેખાવો કર્યા હતા.  

હજારો કિલોમીટરનું અંતર કાપી મતના અધિકારને અદા કર્યો 

'એક વોટ ન આપીએ તો શું ફરક પડી જવાનો?' આ પ્રકારના વિધાન ચૂંટણી વિરોધી લોકો પાસેથી સાંભળવા મળે છે પરંતુ આ બધાની વચ્ચે એવા લોકો પણ છે જે હજારો કિલોમીટરનું અંતર કાપીને ફક્તને ફક્ત એક વોટ આપવા માટે હજારો રૃપિયાનું આંધણ કરીને પોતાના અધિકારને અદા કરવા આવ્યા છે. લોકશાહીના મહાપર્વમાં એક વોટની કિંમત અનેક ઘણી હોય છે આથી અમદાવાદથી ભારતના વિવિધ શહેરોમાં સ્થાઇ થયેલા લોકોએ પોતાના મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરવા રૃપિયા કે ટાઇમ સામે ન જોતા માત્ર થોડા જ કલાકો માટે અમદાવાદ આવી મત આપી પોતાના શહેરોમાં જતા રહ્યા હતા.

આઠ કલાકનું ટ્રાવેલિંગ કરી પતિ-પત્ની મુંબઇથી અમદાવાદ આવ્યા પરંતુ પત્નીનું નામ જ વોટિંગ લિસ્ટમાં ન હતું 

મુંબઇ, કાંદિવલી ઇસ્ટમાં રહેતા અને બેન્ક ઓફ ઇન્ડિયા, બાન્દ્રા ખાતે બેલેન્સશીટ સેલમાં ફરજ બજાવતા ભાર્ગવભાઇ પારેખ ૨૨ એપ્રિલે ઓફિસમાં રાત્રે ૧૦ વાગ્યા સુધી કામ કરીને દેશ માટેની ફરજ ન ચૂકતા પત્ની કવિતાબેન અને ચાર વર્ષની પુત્રી માહિ અને એક વર્ષની પુત્રી પિહુને લઇને રાત્રે ૧૨ વાગ્યાની ટ્રેનમાં બેસી આઠ કલાકનું ટ્રાવેલિંગ કરી સવારે ૮.૩૦ એ ટ્રેનમાંથી ઉતરી સૌપ્રથમ નરોડા ખાતેના વોટિંગબૂથ પર જઇને વોટ આપ્યો હતો. આ અંગે વાત કરતા ભાર્ગવભાઇએ કહ્યું કે, નરોડા ખાતે મારા માતા-પિતા રહે છે અને મારુ વોટીંગ સેન્ટર નરોડાનું છે. લગ્ન બાદ અમે મુંબઇ શિફ્ટ થયા પરંતુ દર વર્ષે વોટ આપવા હું અમદાવાદ અચૂક આવું છું. મેં મતદાન કર્યું પરંતુ મારી પત્નીનું નામ લીસ્ટમાં ન હોવાથી તે વોટ આપી શકી નહી તેનું દુઃખ છે. 




from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W7fkNm
via Latest Gujarati News

Post a Comment

0 Comments