નવી દિલ્હી, તા. 09 એપ્રિલ, 2019, મંગળવાર
દેશમાં લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય શેરબજારોના મુખ્ય ઈન્ડેકસો ઓલ ટાઈમ હાઈ સપાટીની નજીક ટ્રેડ થઈ રહ્યા છે ત્યારે જાણીતા વિશ્લેષક માર્ક ફેબરે એક અખબારી મુલાકાતમાં જણાવ્યું છે કે, ભારતીય શેરબજાર પ્રમાણમાં વધુ પડતા ઊંચા છે ખાસ કરીને લાર્જ - કેપ સ્ટોકસમાં હાલના ભાવે ખાસ વળતર જણાતું નથી.
એક વિદેશી નાગરિક તરીકે હું ૧૯૭૩થી ભારતની મુલાકાત લેતો રહ્યો છે. મારે કહેવું જોઈએ કે ભારતના માળખામાં તથા લોકોના વ્યવહારમાં ઘણો જ બદલાવ આવ્યો છે. ભારતીયો હવે ઘણા જ વ્યવસાયીક બની ગયા છે.
વિદેશીઓ ઈન્વેસ્ટમેન્ટનો નિર્ણય લેતા પહેલા બોન્ડ બજાર, શેરબજાર તથા મની માર્કેટમાં સ્થિરતા જોતા હોય છે. ભારતમાં બૃહ્દ આર્થિક સ્થિતિ પર બોલતા તેમણે કહ્યું હતું કે,બાકીના વિશ્વથી ભારતને અલગ રીતે જોવાની જરૂર છે.
યુરોપ તથા જાપાનમાં વિકાસ જોવા મળતો નથી. અમેરિકન અર્થતંત્ર સુધરી રહ્યું છે પરંતુ ધીમી ગતિએ. સરકારી દેવામાં જોરદાર વધારો થઈ રહ્યો છે. આગળ જતા અમેરિકા તથા ચીનનું અર્થતંત્ર મંદ પડવાની શકયતા છે જ્યારે ભારત એક એવું અર્થતંત્ર છે જ્યાં કેટલાક ક્ષેત્રોનો વિકાસ થઈ રહ્યો છે તો કેટલાક મંદ પડી રહ્યા છે. રોકાણ માટે મારે ભારત અને અમેરિકા વચ્ચે પસંદગી કરવાની આવે તો હું ચાક્કસ જ ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ કરું, એમ તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું. ભારતનું શેરબજારમાં ઈક્વિટીઝના ભાવ પ્રમાણમાં વધુ પડતા ઊંચા બોલાઈ રહ્યા છે ખાસ કરીને ઈન્ડેકસ સ્ટોકસ. ભારતીય સ્ટોકસમાં હું હાલમાં ખાસ વળતર જોતો નથી. લાંબે ગાળે ભારતનું ભાવિ ઉજળું જણાય રહ્યું છે.
મોદી પાછા સત્તા પર આવે તો તમે ભારતીય ઈક્વિટીઝમાં રોકાણ કરવાનું પસંદ કરો ખરા? એવા પુછાયેલા પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં ભારતીય ઈક્વિટીઝમાં પોતે રસ ધરાવતા નથી. સ્ટોકસ ઘણા જ ઊંચા છે.
અમેરિકામાં ફેડરલ રિઝર્વ કદાચ વ્યાજ દરમાં ઘટાડો કરશે. અમેરિકાનો આર્થિક વિકાસ દર ઘટી રહ્યો છે. ઘરેલું વેચાણ ૨૦૦૭ની સપાટીથી નીચે છે. ઉપભોગમાં ખાસ મજબૂતાઈ નથી અને કારના વેચાણ આંક પણ નબળા છે. આમ અમેરિકન અર્થતંત્ર મંદીમાં જઈ શકે છે. ત્યાં રાજકીય પાસાંઓ પણ રહેલા છે. ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૨૦માં ફરી ચૂંટાઈ આવવા માગે છે અને આ માટે તે પોતાના અર્થતંત્રને સારુ બતાવવા વધુ ડોલર છાપવા સુધી જઈ શકે છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2P1UCvg
via Latest Gujarati News
0 Comments