વોશિંગ્ટન, તા. 09 એપ્રિલ, 2019, મંગળવાર
વિદેશમાં નોકરી-ધંધા માટે ગયેલા ભારતીયો દ્વારા સ્વદેશ નાણાં મોકલવાની માત્રા ૨૦૧૮માં પણ વિશ્વમાં સૌથી વધુ રહી હતી. ૨૦૧૮માં ભારતે રેમિટેન્સના રૂપમાં ૭૯ અબજ ડોલર પ્રાપ્ત કર્યા હતા, એમ વર્લ્ડ બેન્કના એક અહેવાલમાં જણાવાયું હતું.
ભારત બાદ ૬૭ અબજ ડોલરના રેમિટેન્સ સાથે ચીનનો બીજો ક્રમ રહ્યો હતો. મેક્સિકોમાં ૩૬ અબજ ડોલર જ્યારે ફિલિપિન્સમાં રેમિટેન્સનો આંક ૩૪ અબજ ડોલર રહ્યો હતો એમ રિપોર્ટમાં જણાવાયું છે.
આમ રેમિટેન્સ મેળવવામાં ભારતે પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી ભારત નોંધપાત્ર રેમિટેન્સ મેળવી રહ્યું છે. ૨૦૧૬માં ૬૨.૭૦ અબજ ડોલર તથા ૨૦૧૭માં ૬૫.૩૦ અબજ ડોલરનું રેમિટેન્સ પ્રાપ્ત કરાયું હતું.
ગયા વર્ષે કેરળમાં આવેલા પૂરને કારણે વિદેશમાં કમાણી કરવા ગયેલા કેરળવાસીઓએ પોતાના પરિવારો માટે મોટી માત્રામાં રકમ પાઠવી હોવાનો અંદાજ વ્યકત કરાયો છે.
સાઉદી અરેબિયા ખાતેથી રેમિટેન્સની માત્રા ઘટી જતા પાકિસ્તાનમાં રેમિટેન્સની વૃદ્ધિ સામાન્ય રહી છે. વર્લ્ડ બેન્કના અહેવાલ પ્રમાણે, નીચી અને મધ્યમ આવક સાથેના દેશોમાં રેમિટેન્સનો એકંદર આંક ૨૦૧૮માં ૫૨૯ અબજ ડોલર પર પહોંચ્યો હતો જે ૨૦૧૭માં ૪૮૩ અબજ ડોલરની સરખામણીએ ૯.૬૦ ટકા વધુ છે.
દક્ષિણ એશિયાના દેશોમાં રેમિટેન્સમાં ૧૨ ટકા વૃદ્ધિ જોવાઈ હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે. અમેરિકામાં અર્થતંત્રમાં સુધારો અને ક્રુડ ઓઈલના ભાવમાં ઉછાળાને કારણે રેમિટેન્સમાં વધારો જોવા મળી રહ્યો હોવાનું પણ અહેવાલમાં નોંધવામાં આવ્યું છે. ક્રુડ તેલના ભાવમાં વધારાને કારણે અખાતી દેશો ખાતેથી આઉટવર્ડ રેમિટેન્સ પોઝિટિવ રહ્યું છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uTNFDo
via Latest Gujarati News
0 Comments