નવી દિલ્હી, તા.૯
આઇસીસી વર્લ્ડકપ નજીક છે, ત્યારે હાલમાં ચાલી રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ ટ્વેન્ટી-૨૦માં ભાગ લઈ રહેલા દુનિયાભરના ટોચના ખેલાડીઓ પર તેમની ફ્રેન્ચાઈઝી કેટલો કાર્યબોજ નાંખી રહી છે, તેના પર તેમના દેશના ક્રિકેટ બોર્ડની બાજ નજર છે. આઇપીએલમાં રમી રહેલા ભારતના તેમજ દુનિયાના અન્ય દેશોના ટોચના ખેલાડીઓની ફિટનેસ અને પર્ફોમન્સ પર હાઈટેડ ડિવાઈસ તેમજ એપ્સની મદદથી બાજ નજર રાખવામાં આવી રહી છે. કેટલાક દેશોએ તેમના ખેલાડીઓના સ્માર્ટફોનમાં ખાસ એપ્સ નાંખેલી છે, જેમાં તેમણે તેમના કાર્યભારણની વિગતો દાખલ કરવાની હોય છે. જ્યારે કેટલાક દેશોએ તો ખેલાડીઓને એવી હાઈટેક ડિવાઈસ આપી છે કે, જે પહેરવાથી ખેલાડીએ કેવી એક્ટિવિટી કરી અને તેનાથી તેનાથી શરીર પર શું અસર થઈ ?, હૃદયના ધબકારા પર શું અસર થઈ ? વિગેરે જેવી માહિતી આપોઆપ તે ડિવાઈસ સાથે જોડાયેલા કમ્પ્યૂટરને મળી જાય છે.
આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ હવે ગળાકાપ બનતી જાય છે, ત્યારે ખેલાડીઓના પર્ફોમન્સને સુધારવા માટે હવે હાઈટેક સાધનો અને ઉપકરણોનો ઉપયોગ થવા માંડયો છે. દરેક ખેલાડીને તેની ક્ષમતા, તેના શરીરની ક્ષમતાને અનુસાર જુદી-જુદી એક્સરસાઈઝની સૂચના આપવામાં આવે છે. આઇપીએલમાં ઉપયોગમાં લેવાઈ રહેલી ખાસ પ્રકારની એપ્સ અને ડિવાઈસની રોચક દુનિયા આગવું આકર્ષણ જમાવી રહી છે.
ખેલાડીના ઊંઘવાના કલાકો પર ખાસ નજર
ભારતના ભૂતપૂર્વ ફિઝિયોથેરાપીસ્ટ અને હાલ રાજસ્થાન રોયલ્સની ટીમની સાથે જોડાયેલા જોન ગ્લોસ્ટરે કહ્યું કે, જુદા-જુદા ક્રિકેટ બોર્ડ હવે વિવિધ એપ્સની મદદથી ખેલાડીઓના પર્ફોમન્સ પર નજર રાખી રહ્યા છે. તેઓના મોબાઈલમાં ક્રિકેટ બોર્ડે ચોક્કસ એપ્સ નાંખેલી હોય છે અને આ એપ્સમાં તેમના વિવિધ વર્કઆઉટ્સથી માંડી તેમના ઊંઘવાના કલાકો ખાસ ઈનપુટ્સ કરવાના હોય છે. વધુમાં ખેલાડીઓની ઊંઘ અંગેની વિગતો પણ બોર્ડ મેળવતું રહ્યું છે. અમારા લોજીસ્ટિક પ્રોગ્રામનો એ ભાગ છે કે, પ્રત્યેક ખેલાડીને ઓછામાં ઓછી આઠ કલાકની ઊંઘ મળે તે જરુરી છે. જો ખેલાડીની ઊંઘ પુરી ન થાય તો તેને ઈજા થવાની શક્યતા વધી જાય છે. આ કારણથી ખેલાડીની ઊંઘ પર નજર રાખવી અત્યંત જરુરી છે.
ભારત-ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરો માટે ડિવાઈસનો ઉપયોગ
ભારત અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરો પરના કાર્યભારણને માપવા તેમજ તેમના પર્ફોમન્સમાં સુધારો કરવા માટે તેમના ક્રિકેટ બોર્ડ ખાસ પ્રકારની ડિવાઈસનો ઉપયોગ કરી રહ્યા છે. ખેલાડીઓને ખાસ પ્રકારની સ્માર્ટ વોચિસ કે પછી શરીર પર પહેરવા માટે ખાસ ડિવાઈસ આપવામાં આવે છે, જે તેમની ટીશર્ટની અંદરની તરફ રહે છે, જેનાથી બહાર કોઈ જોઈ શકતું નથી. જોકે આ ડિવાઈસ ખેલાડીની પ્રત્યેક મુવમેન્ટને નોંધે છે. મેદાન પર ખેલાડીએ કેટલુ અંતર કાપ્યું?, ખેલાડી કેટલો સમય ઝડપથી દોડયો અને કેટલા સમયમાં તેણે હળવાશથી જોગીંગ કર્યું ? આ ઉપરાંત પ્રત્યેક વખતે તેના ધબકારાનો રેકોર્ડ પણ નોંધાય છે. આ બધો ડેટા સીધો જ ડિવાઈસ સાથે જોડાયેલા કમ્પ્યૂટર કે સેલફોનમાં જાય છે. દરેક ખેલાડીને તેના શરીર અને તેની તાસીરને અનુસાર ખાસ પ્રકારની એક્સરસાઈઝ તેમજ અન્ય ફિટનેસ પ્રોગ્રામને ફોલો કરવા જણાવવામાં આવે છે. હવેના દિવસોમાં પહેલાની જેમ દરેકને એક સરખી ટ્રેનિંગ અપાતી નથી. દરેકનો કાર્યક્રમ અલગ નક્કી થાય છે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VAtO7R
via Latest Gujarati News
0 Comments