નવી દિલ્હી, તા. ૧૨
ભારતની ૫.૬ અબજ ડોલરની વસ્તુઓને ડયુટી મુક્ત રાખવાનો લાભ સમાપ્ત કરવાની અમેરિકાની યોજનાથી અમેરિકાના ગ્રાહકોને નુકસાન થશે તેમ અમેરિકાના બે સાંસદોને દેશના વેપાર કાર્યાલયને જણાવ્યું છે.
બંને સાંસદોએ આ યોજનાને મોકૂફ રાખવાની અપીલ કરી છે અને આ મુદ્દે ભારત સાથે વધુ ચર્ચા કરવાની માગ કરી છે.
ભારતીય અધિકારીઓના જણાવ્યા અનુસાર જો ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની આ યોજનાને આગળ વધારશે શક્ય છે કે મેના પ્રથમ સપ્તાહમાં ભારત જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સિસ (જીએસપી)નો દરજ્જો ગુમાવે. જો અમેરિકા પોતાની નિર્ધારિત યોજના પર અમલ કરશે તો ભારત પણ જવાબી કાર્યવાહી કરશે.
ઉલ્લેખનીય છે કે ૧૯૭૦ના દાયકાથી ભારત જીએસપી દરજ્જાનો સૌથી મોટો લાભકર્તા છે. જો કે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી આયાત ડયુટી મુદ્દે ભારત અને અમેરિકા વચ્ચે મતભેદો સર્જાયા છે.
જોહ્ન કોરનિન અને માર્ક વાર્નર નામના સાંસદોએ પત્ર લખી જણાવ્યું છે કે જો ભારત જીએસપીનો દરજજો ગુમાવશે તો અમેરિકાના ગ્રાહકોને સહન કરવું પડશે. સાંસદાએ માગ કરી છે કે ભારતમાં ૩૯ દિવસ સુધી ચાલનારી લોકસભા ચૂંટણી પૂર્ણ થવા સુધી અમેરિકાએ આ મુદ્દે રાહ જોવી જોઇએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી પછી પણ ડયુટી મુદ્દે મંત્રણા ચાલુ રાખવી જોઇએ. જો અમેરિકા ભારતની ૨૦૦૦ વસ્તુઓ પર ડયુટી નાખવાનો નિર્ણય લેશે તો તેનાથી એન્જિનિયરિંગ વસ્તુઓ બનાવતી ભારતની નાની અને મધ્યમ કદની કંપનીઓને નુકસાન થશે. ૨૦૧૭માં ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર ૧૨૬ અબજ ડોલરનો હતો થોડાક મહિના પહેલા ભારતે અમેઝોન અને વોલમાર્ટ જેવી કંપનીઓ માટે નવા નિયમો બનાવતા બંને દેશોના વેપાર સંબધો બગડયા છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v15iRP
via Latest Gujarati News
0 Comments