મોદી 'જનરલ ડાયર', તેમના આદેશથી પોલીસે લોકો પર લાઠીઓ વરસાવી: આપ


નવી દિલ્હી, તા.14 એપ્રિલ, 2019, રવિવાર

જલિયાવાલા બાગ હત્યાકાંડને ૧૩મી એપ્રીલે ૧૦૦ વર્ષ પુરા થયા, જેને પગલે દેશભરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમો યોજાયા હતા. ૧૩મી એપ્રીલ ૧૯૧૯ના રોજ અંગ્રેજોના શાસનમાં જનરલ ડાયરે અમૃતસરમાં નિર્દોશ હજારો લોકો પર ગોળીઓ ચલાવી દીધી હતી.

દરમિયાન આમ આદમી પાર્ટીએ વર્તમાન સ્થિતિને જલિયાવાલ બાગ સમયની તે સ્થિતિ સાથે સરખાવી હતી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જનરલ ડાયર ગણાવ્યા હતા. આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે દિલ્હી પોલીસે સ્થાનિક વ્યાપારીઓ અને નિર્દોશો પર લાઠીઓ વરસાવી છે. 

આમ આદમી પાર્ટીએ આ આરોપો દિલ્હીના માયાપુરી વિસ્તારની ઘટનાને ટાંકીને લગાવ્યા હતા જ્યાં સ્થાનિકોનો આરોપ છે કે પોલીસે વ્યાપારીઓ પર લાઠીઓ વરસાવી હતી જેમાં અનેક લોકો ઘવાયા હતા.

દિલ્હી પોલીસ કેન્દ્ર સરકાર હેઠળ આવતી હોવાથી આપે આરોપ લગાવ્યો હતો કે જનરલ ડાયર મોદીના કહેવાથી પોલીસે આ લાઠીઓ વરસાવી છે. જોકે એવા પણ આરોપ થઇ રહ્યા છે કે આ વિસ્તારમા સિલિંગ ડ્રાઇવ ચાલી રહી હતી જે દરમિયાન સ્થાનિક વ્યાપારીઓ ભડક્યા હતા અને સામસામે જપાજપી થઇ હતી.

આમ આદમી પાર્ટીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે જનરલ ડાયર મોદીના કહેવાથી પોલીસ નિર્દોશો પર લાઠીઓ વરસાવી રહી છે જે અતી શરમજનક કહેવાય. દિલ્હીમાં સિલિંગ કાર્યવાહી અહીંના એસડીએમ દ્વારા શરૃ કરવામાં આવી હતી. એનજીટીના આદેશોને ધ્યાનમાં રાખીને આ પગલા લેવાયા હતા. જેનો સ્થાનિકો દ્વારા ભારે વિરોધ થઇ રહ્યો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UkHfaA
via Latest Gujarati News

Post a Comment

0 Comments