
(પીટીઆઈ) યુનાઈટેડ નેશન્સ, તા.14 એપ્રિલ, 2019, રવિવાર
નેપાળના એવરેસ્ટ પ્રાંતમાં ઓવલા એકમાત્ર એરપોર્ટ પર સમિટ એરનું એક પ્લેન ઉડાન વખતે જ ક્રેશ થઈને ત્યાં પાર્ક કરાયેલા હેલિકોપ્ટર સાથે ટકરાયું હતું. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે અને ચારને ઈજાઓ પહોંચી છે.
ઉડ્ડયન અધિકારી રાજ કુમાર છેત્રીએ જણાવ્યા મુજબ સમિટ એરના એક વિમાને રવિવારે સવારે માઉન્ટ એવરેસ્ટના પ્રવેશ દ્વાર સમાન લુક્લાના તેનઝિંગ હિલેરી એરપોર્ટથી કાઠમંડુ જવા માટે ઉડાન ભરી હતે વખતે આ અકસ્માત થયો હતો.
સમિટ એરના વિમાને ઉડાન વખતે સંતુલન ગુમાવતા રનવે પર પાર્ક કરાયેલા મનંગ એરના હેલિકોપ્ટરને ટક્કર મારી હતી. આ બંને ખાનગી એરલાઈન કંપનીઓ છે જે પ્રવાસીઓ અને નેપાળીઓને આંતરિયાળ વિસ્તારો સુધી પહોંચવામાં મદદ કરે છે.
નેપાળના પોલીસ પ્રવક્તા ઉત્તમ રાજ સુબેદીએ જણાવ્યા મુજબ અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને હેલિકોપ્ટરની મદદથી કાઠમંડુ પહોંચાડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા જ પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તેમણે એરપોર્ટ પર આગ ના લાગે તે માટે પગલાં લીધા હતા.
આ દુર્ઘટનામાં વિમાનના પાયલોટ ઉપરાંત હેલિકોપ્ટર પાસે ઉભેલા બે પોલીસ અધિકારીના નિધન થયા છે. સદનસીબે વિમાનમાં રહેલા ચાર પ્રવાસીઓ અને ફ્લાઈટ અટેન્ડન્ટનો સુરક્ષિત રીતે બચાવ થયો છે. આ દુર્ઘટનાને પગલે સત્તાધીશોએ લુક્લાના તેનઝિંગ હિલેરી એરપોર્ટની સેવાઓને થોડા સમય માટે સ્થગિત કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે માઉન્ટ એવરેસ્ટના પ્રવેશ દ્વાર સમાન લુક્લાનું તેનઝિંગ હિલેરી એરપોર્ટ તેના ટૂંકા રનવેના કારણે વિશ્વનું સૌથી જોખમી એરપોર્ટ ગણાય છે. ૯,૩૩૪ ફૂટ(૨,૮૪૫ મીટર્સ)ની ઉંચાઈએ આવેલા આ એરપોર્ટનો ઉપયોગ ફક્ત હેલિકોપ્ટર્સ અને નાના એરક્રાફ્ટ માટે જ કરવામાં આવે છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IkACDQ
via Latest Gujarati News
0 Comments