(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૫
કોંગ્રેસે આજે વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે અજય રાયને ઉભા રાખ્યા છે. આ સાથે જ વડાપ્રધાન મોદી સામે પ્રિયંકા ગાંધીને ઉભા રાખવાની તમામ અટકળોનો અંત આવી ગયો છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે ૨૦૧૪માં પણ વારાણસીમાં મોદી સામે અજય રાયને જ ઉભા રાખ્યા હતાં. તે સમયે તેઓ ત્રીજા સ્થાને રહ્યાં હતાં. બીજા ક્રમે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ હતાં.
કોંગ્રેસે ગોરખપુર બેઠક પર ભાજપના ઉમેદવાર અને લોકપ્રિય ભોજપુરી ફિલ્મ સ્ટાર રવિ કિશન સામે મધુસુધન તિવારીને ટિકિટ આપી છે.
છેલ્લા બે સપ્તાહથી એવી અટકળો ચાલતી હતી કે કોંગ્રેસ વડાપ્રધાન મોદી સામે પ્રિયંકા ગાંધીને ઉતારશે. આ અટકળોનો એ સમયે વેગ મળ્યો હતો કે જ્યારે રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે શું તમે મોદી સામે તમારી બહેન પ્રિયંકા ગાંધીને ઉભા રાખશો? તો તેના જવાબમાં રાહુલે જણાવ્યું હતું કે આ અંગે હું સસ્પેન્સ જાળવવા માગુ છું.
પ્રિયંકા ગાંધીને જ્યારે આ પ્રશ્ર પૂછવામાં આવ્યો તો તેમણે પણ જણાવ્યું હતું કે આ અંગે પાર્ટી જે પણ નિર્ણય લેશે તે મને માન્ય રહેશે.
સમાજવાદી પાર્ટીએ સોમવારે જાહેરાત કરી હતી કે તે વારાણસીમાંથી મોદી સામે શાલિની યાદવને ટિકિટ આપશે. ઉલ્લેખનીય છે કે શાલિની યાદવ સોમવારે જ સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતાં.
પ્રિયંકા ગાંધીએ પૂર્ણ સમયના રાજકારણી તરીકે ચાલુ વર્ષના ફેબુ્રઆરી મહિનામાં જ એન્ટ્રી કરી હતી. હાલમાં પૂર્વ ઉત્તર પ્રદેશના ઇનચાર્જ છે. વારાણસીમાં છેલ્લા તબક્કા હેઠળ ૧૯ મેના રોજ મતદાન છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZDGfT9
via Latest Gujarati News
0 Comments