કુઆલાલુમ્પુર, તા. ૨
મલેશિયા ઓપન બેડમિંટન ટુર્નામેન્ટમાં ભારતની પી. વી. સિંધુએ વિમેન્સ સિંગલ્સમાં અને કિદામ્બી શ્રીકાંતે મેન્સ સિંગલ્સમાં વિજયી શુભારંભ કરતાં બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો હતો. જોકે ભારતની સાયના નેહવાલ અને એચ.એસ. પ્રનોય સફળતા મેળવી શક્યા નહતા અને પ્રથમ મેચમાં જ હારીને બહાર ફેંકાયા હતા.
કુઆલાલુમ્પુરમાં શરૃ થયેલી મલેશિયન ઓપન વર્લ્ડ ટૂર ૭૫૦ ટુર્નામેન્ટમાં ભારતની પી.વી. સિંધુએ વર્લ્ડ રેન્કિંગમાં ૨૦મું સ્થાન ધરાવતી જાપાનની એયા ઓહોરીને ૨૨-૨૦, ૨૧-૧૨થી પરાજય આપ્યો હતો. સિંધુએ આ સાથે જાપાનીઝ ખેલાડી સામે સતત છઠ્ઠો વિજય પ્રાપ્ત કર્યો હતો. જ્યારે ઈન્ડિયન ઓપનના ફાઈનલીસ્ટ એવા કિદામ્બી શ્રીકાંતે મેન્સ સિંગલ્સમાં ઈન્ડોનેશિયાના ઈહસાન મૌલાના મુસ્તોફાને ૨૧-૧૮, ૨૧-૧૬થી માત્ર ૩૮ મિનિટમાં જ પરાજય આપ્યો હતો.
હવે પાંચમો સીડ ધરાવતી સિંધુનો મુકાબલો સાઉથ કોરિયાની સુંગ જી હ્યુન સામે થશે. સુંગ જી હ્યુને સિંધુને ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશીપના પ્રથમ રાઉન્ડમાં હરાવી હતી. જ્યારે શ્રીકાંતની ટક્કર થાઈલેન્ડના ખોસીત ફેટ્પ્રાબદ સામે થવાની છે. જોકે ભારતની સાયના નેહવાલને વર્લ્ડ રેન્કિંગમાં ૨૧મું સ્થાન ધરાવતી થાઈલેન્ડની ચોચુવાંગ સામે ૨૨-૨૦, ૧૫-૨૧, ૧૦-૨૧થી હાર સ્વીકારવી પડી હતી. મેન્સ સિંગલ્સમાં ભારતના એચ.એસ. પ્રનોયને થાઈલેન્ડના થામ્માસિન સામે ૨૧-૧૨, ૧૬-૨૧, ૧૪-૨૧ના જોરદાર સંઘર્ષ બાદ પરાજયનો સામનો કરવો પડયો હતો.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2K3MaNp
via Latest Gujarati News
0 Comments