કોંગ્રેસના જ્યેષ્ઠ નેતાના પીએનો નંદુરબારના ઘરમાં આત્મહત્યાનો પ્રયત્ન


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 5 એપ્રિલ 2019, શુક્રવાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને માજી મંત્રી માણિકરાવ ગાવિતના પીએ ભગવાન ગિરાસેએ નંદુરબારમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યાનો પ્રયત્ન કરતા ચકચાર જાગી હતી. કુટુંબીજનો સમયસર દોરી કાપીને તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. પોલીસે કેસ નોંધી વધુ તપાસ આદરી છે. અગાઉ ગિરાસે રહસ્યમયરીતે ગાયબ થઈ ગયા હતા તેમનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ચર્ચા થતી હતી. 

નંદુરબારમાં કોંગ્રેસના નેતા માણિકરાવ ગાવિતના પીએ ભગવાન ગિરાસેએ નંદુરબારમાં આજે સવારે તેના ઘરમાં દોરીથી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો. કુટુંબીજનોને આ ઘટનાની જાણ થતા તેમણે સમયસૂચકતાથી દોરી કાપી દીધી હતી. તેઓ તાત્કાલિક ગિરાસેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા.

ગત શનિવારે માણિકરાવ ગાવિત દાદર ટિળક ભવન ખાતે કોંગ્રેસની ઓફિસમાં નેતાઓને મળવા આવ્યા હતા ત્યારે ગિરાસે પણ તેમની સાથે હતા, પણ બેઠક બાદ ગિરાએ ગાયબ થઈ ગયા હતા. તેમની શોધખોળ કરવામાં આવી હતી. બે દિવસ બાદ ૧ એપ્રિલના ગિરાસેનો પતો લાગ્યો હતો. પણ તેમના માથાના વાળ અને મૂંછ કાપેલી હતી. તેઓ વધુ વાત પણ કરતા નહોતા. તેઓ હતાશ થઈ ગયા હતા ત્યારે આજે તેમણે આત્મહત્યાનો પ્રયત્ન કરતા ચકચાર જાગી છે. પોલીસ પ્રાથમિક તપાસ દરમિયાન તેમણે આ પગલું કયા કારણસર ભર્યું તે જાણી શકી નહોતી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KdhHN3
via Latest Gujarati News

Post a Comment

0 Comments