અંતે ચૂંટણી પંચે કાર્યવાહી કરીને પોતાની સત્તાનો ઉપયોગ કર્યો : સુપ્રીમ કોર્ટ


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૬

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, બસપા સુપ્રીમો માયાવતી, સપાના વરિષ્ઠ નેતા આઝમ ખાન અને ભાજપના વરિષ્ઠ નેતા મેનકા ગાંધીને પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂકવાની ચૂંટણી પંચની કાર્યવાહી અંગે સુપ્રીમ કોર્ટે સંતોષ વ્યક્ત કર્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે અંતે ચૂંટણી પંચે કાર્યવાહી કરીને પોતાની સત્તાનો ઉપયોગ કર્યો છે. 

આ દરમિયાન માયાવતીએ પોતાના ૪૮ કલાકના પ્રચાર પ્રતિબંધને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી પણ સુપ્રીમે આ અરજીનો સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. 

આજે ચૂંટણી પંચના અધિકારીએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે તેમણે વિવાદિત નિવેદન કરનારા નેતાઓના પ્રચાર પર પ્રતિબંધ મૂકી દીધો છે. 

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ, ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની બનેલી ખંડપીઠે માયાવતીની અરજી સ્વીકારવાનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે અમને નથી લાગતુ નથી કે આ બાબતમાં માયાવતીને પોતાનો પક્ષ રજૂ કરવા તક આપવાની જરૃર હતી. 

બસપા સુપ્રીમો વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ જણાવ્યું હતું કે જો તમારી ઇચ્છા હોય તો તમે સ્પેશિયલ લિવ પિટિશન કે અપીલ દાખલ કરી શકો છો. અમે હાલમાં આ અંગે કોઇ ટિપ્પણી કરવા માગતા નથી. 

આ અગાઉ માયાવતીએ ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને લોકતંત્રની હત્યા ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી પંચે ૪૮ કલાકના પ્રતિબંધનો નિર્ણય દબાણ હેઠળ લીધો છે. 

માયાવતીએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચને સારી રીતે ખબર હતી કે ૧૮ એપ્રિલે બીજા તબક્કાનું મતદાન છે અને ૧૬ એપ્રિલે ચૂંટણી પ્રચાર સમાપ્ત થવાનો છે. 

આ દરમિયાન સપા પ્રમુખ અખિલેશ યાદવે જણાવ્યું છે કે શું ચૂંટણી પંચમાં એટલી હિંમત છે કે ભારતીય સેનાના નામે વોટ માગનારા વડાપ્રધાન મોદી સામે કાર્યવાહી કરી શકે? 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v6nbP1
via Latest Gujarati News

Post a Comment

0 Comments