ચૂંટણી ટાંકણે મુંબઇમાં નાણાની ગેરકાયદે હેરાફેરી પર ITની તરાપ: રૂા. 14 કરોડ જપ્ત કર્યા



મુંબઇ, તા. 16 એપ્રિલ 2019, મંગળવાર

હાલમાં ચાલતી ચૂંટણીની મોસમ દરમિયાન નાણાની ગેરકાયદે હેરાફેરી સામેની આકરી કાર્યવાહીમાં ઇન્કમ ટેક્સ (આઇ-ટી આવક વેરા) ખાતાની મુંબઇ શાખાએ છેલ્લા થોડાંક સપ્તાહોમાં રૂા. ૧૪ કરોડની રોકડ રકમ જપ્ત કરી છે.

આ નાણાને તેણે શંકાસ્પદ નાણા ગણાવ્યા છે. આ પૈકી લગભગ રૂા. છ કરોડની બિનહિસાબી રોકડ રકમ દક્ષિણ મુંબઇના ઝવેરી બજાર અને ઓપેરા હાઉસ વિસ્તારમાંથી જપ્ત કરવામાં આવી હતી. આ નાણા માટે કોઇએ દાવો કર્યો ન હોવા સાથે તે હવાલાની લેવડદેવડના હોવાની શંકા છે એમ આઇટી ખાતાના અધિકારીઓએ જણાવ્યું હતું. 

ઝવેરી બજાર અને ઓપેરા હાઉસ ખાતેની તલાશીની કામગીરી દરમિયાન અધિકારીઓને લગભગ રૂા. છ કરોડની રોકડ રકમ હાળ લાગી હતી. આવા એક દરોડા દરમિયાન એક નધણીયાતી બેગ મળી હતી. જેમાં રોકડા રૂા. ૨.૫ કરોડ ભરેલા હતા એમ આ ખાતાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું.

અમારા ખાતાએ જપ્ત કરેલા આ રૂા. છ કરોડની માલિકીનો દાવો કોઇએ કર્યો નથી. આ વિસ્તારમાં અનેક આંગડીયા અને કુરિયરો છે. જે હવાલાના નાણાનું કામકાજ કરતા હોય છે. આ બિનહિસાબી અને દાવો નહીં કરાયેલા રૂા. છ કરોડને આવી લેવડદેવડ સાથે કોઇ સંબંધ હોય તેવી શક્યતા વધુ છે એમ તેમણે ઉમેર્યું હતું.

આઇ-ટી અધિકારીઓએ કહ્યું હતું કે ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવી છે ત્યારથી આઇ-ટી ખઆતું નાણાની ગેરકાયદે હેરાફેરી અટકાવવા આકરાં પગલાં લઇ રહ્યું છે અને આ માટે તેણે વિશેષ વ્યવસ્થા ઉભી કરી છે. તેણે ચૂંટણીના હેતુસર કાળા નાણા અને કિંમતી ચીજવસ્તુઓના ઉપયોગને અટકાવવા ત્રી સ્તરીય વ્યવસ્થા કરી છે.

તેણે મુંબઇના છ સંસદીય મતક્ષેત્રોમાં ૨૦૦ આવકવેરા અધિકારીઓને તહેનાત કર્યા છે તથા છ ક્વીક રીસ્પોન્સ ટીમ (ક્યુઆરટી)ની રચના કરી છે. આંતરદેશીય તથા આંતર રાષ્ટ્રીય વિમાન મથકોએ એર ઇન્ટલિજન્સ યુનિટસ (એઆઇયુ) ફરજ પર મૂક્યા છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VbZ0h7
via Latest Gujarati News

Post a Comment

0 Comments