ચીન અરૂણાચલ અને તાઇવાનને પોતાનો હિસ્સો ન દર્શાવતા ત્રણ લાખ નકશાનો નાશ કરશે


બેઇજિંગ, તા.2 એપ્રિલ, 2019, મંગળવાર

ચીનના કસ્ટમ અધિકારીઓએ અરૂણાચલ પ્રદેશ અને તાઇવાનને પોતાનો હિસ્સો ન દર્શાવતા ત્રણ લાખ નકશાઓનો નાશ કરવાનો આદેશ આપ્યો છે. આ ખોટા નકશા નેધરલેન્ડ નિકાસ કરવાની યોજના ધરાવતા ચાર લોકો સામે કેસ દાખલ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. 

ગયા મહિને પણ ચીનના અધિકારીઓએ ભારતની સરહદ ખોટી રીતે દર્શાવવા અને તાઇવાનને અલગ દેશ દર્શાવતા ૩૦,૦૦૦ નકશાઓનો નાશ કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે ચીન ગેરકાયદેસર રીતે ભારતના રાજ્ય અરૂણાચલ પ્રદેશ પોતાનો હિસ્સો હોવાનો દાવો કરે છે. ચીન અરૂણાચલ પ્રદેશ દક્ષિણ તિબેટનો ભાગ ગણે છે. ચીન અરૂણાચલ પ્રદેશમાં ભારતીય નેતાઓના પ્રવાસ સામે પણ વાંધો ઉઠાવે છે. 

બીજી તરફ ભારત અરૂણાચલ પ્રદેશને પોતાનો અભિન્ન હિસ્સોે ગણે છે. ભારતીય નેતાઓ જેમ ભારતના અન્ય રાજ્યોની મુલાકાત લે છે તેવી જ રીતે અરૂણાચલ પ્રદેશની પણ મુલાકાત લેતા રહે છે.

૩૮૪૪ કિમીની સરહદવાળા વિસ્તાર અંગે ચાલતા વિવાદને ઉકેલવા માટે બંને દેશો વચ્ચે ૨૧ વખત મંત્રણા થઇ છે. ચીન તાઇવાનને પણ પોતાનો હિસ્સો ગણે છે. 

એક અગ્રણી અખબારના જણાવ્યા અનુસાર દક્ષિણ ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં કસ્ટમ અધિકારીઓ ખોટી માહિતી દર્શાવતા ત્રણ લાખ નકશાઓનો નાશ કરશે. 

અખબારે એક અધિકારીના સંદર્ભથી જણાવ્યું છે કે કસ્ટમ બ્યુરોએ ખામીયુક્ત ૨,૬૪,૯૮૩  નકશાઓ જપ્ત કર્યા હતાં. આ નકશાઓની ૧૭ જાન્યુઆરીએ નેધરલેન્ડમાં નિકાસ થવાની હતી.  આ નકશા  ગુઆંગડોંગ પ્રાંતના ડોંગગુઆનની એક કંપનીએ પ્રિન્ટ કર્યા હતાં. આ કંપનીએ કુલ ૩,૦૬,૦૫૭ વિવાદાસ્પદ નકશા તૈયાર કર્યા છે જેનો નાશ કરવામાં આવશે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Vgd8T0
via Latest Gujarati News

Post a Comment

0 Comments