
નવી દિલ્હી,તા.20.એપ્રિલ 2019, શનિવાર
જેડીયુ, ભાજપ અ્ને બીજા સાથી પક્ષોના ગઠબંધન સામે બિહારમાં લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડી અને કોંગ્રેસ ભેગા મળીને લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે.
હાલમાં લાલુપ્રસાદ જેલની હવા ખાઈ રહ્યા છે ત્યારે જેડીયુ દ્વારા લાલુ પ્રસાદે જેલમાં બેઠા બેઠા ચૂંટણીની ટિકિટો વહેંચી હોવાનો આરોપ લગાવ્યો છે.આ મામલામાં ચૂંટણી પંચ સમક્ષ જેડીયુ દ્વારા ફરિયાદ કરીને આરજેડીના તમામ ઉમેદવારોની ઉમેદવારી રદ કરવાની માંગ કરાઈ છે.
જેડીયુના પ્રવક્તા નિરજકુમારના કહેવા પ્રમાણે જેલમાં હોવા છતા લાલુ પ્રસાદે પોતાના હાથથી નામ લખીને ટિકિટનુ વિતરણ કર્યુ છે.શું આ માટે તેમણે કોર્ટની મંજૂરી લીધી હતી?હાલમાં લાલુ રાંચીની જેલમાં છે.તેઓ એક અપરાધી છે.હાલમાં સ્વાસ્થ્યના કારણોસર હોસ્પિટલના કેદી વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે.
જેડીયુનુ કહેવુ છેકે, નિયમ પ્રમાણે તેઓ સપ્તાહમાં એક દિવસ પરિવારજનોને મળી શકે છે.આ માટે પણ તેમણે પહેલા પરવાનગી લેવાની હોય છે.મુલાકાત દરમિયાન રાજકીય વાતોથી દુર રહેવાનુ હોય છે પણ તેઓ માત્ર રાજકીય વ્યક્તિઓને જ મળે છે.લાલુ પ્રસાદ એ પણ જાહેર કરે કે તેમનુ ટ્વિટર હેન્ડલ કેવી રીતે ઓપરેટ થાય છે અને તેમના વિચારો આ હેન્ડલ ઓપરેટ કરનારા સુધી કેવી રીતે પહોંચે છે.
દરમિયાન એનડીએના સાથી પક્ષ લોક જનશક્તિ પાર્ટીના ચીરાગ પાસવાનનુ તો કહેવુ છે કે, લાલુની આખી પાર્ટી જ જેલમાંથી ચાલે છે.
બીજી તરફ આરજેડીના શિવાનંદ તિવારીએ કહ્યુ છે કે, આ પ્રકારના આક્ષેપો દર્શાવી રહ્યા છે કે, ચૂંટણીમાં એનડીએની હાર થઈ રહી છે.જેલમાં રહીને ટિકિટ વહેંચણી કરવી તે કોઈ અપરાધ નથી.લાલુ રાષ્ટ્રિય અધ્યક્ષ છે તો ટિકિટ કેમ ના વહેંચે?
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Dn4FXa
via Latest Gujarati News
0 Comments