મુંબઇ, તા. 26 એપ્રિલ, 2019, શુક્રવાર
મુંબઇ તેલબિયાં બજારમાં આજે નવી માગ પાંખી હતી. વેપારો છુટાછવાયા હતા. વિશ્વ બજારના સમાચાર નિરુત્સાહી હતા. વિશ્વ બજારમાં આજે ક્રૂડ તેલના ભાવ ઉંચા મથાળેથી નીચા આવતા તેની પાછળ ખાદ્ય તેલોના ભાવમાં પણ પીછેહટ જોવા મળ્યાના સમાચાર હતા. મલેશિયામાં આજે પામતેલનો વાયદો ઘટી છેલ્લે ૨૮, ૩૮, ૩૮ તથા ૩૭ પોઇન્ટ માઇનસમાં રહ્યો હતો. જો કે ત્યાં પામ પ્રોડક્ટના ભાવ શાંત હતા.
દરમિયાન, અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઇટ ૨૭થી ૨૮ પોઇન્ટ નરમ રહ્યા પછી આજે સાંજે પ્રોજેક્શનમાં ભાવ ૧૯થી ૨૦ પોઇન્ટ નરમ રહ્યા હતા. ત્યાંના ઓવરનાઇટ ટ્રેન્ડમાં જો કે સોયાખોળનો વાયદો ૫૬થી ૫૭ પોઇન્ટ વધ્યો હતો. જ્યારે સોયાબીનનો વાયદો ૪૦ પોઇન્ટ પ્લસમાં રહ્યાના નિર્દેશો હતા. ન્યુયોર્ક કોટન વાયદો ઓવરનાઇટ ૧૨૦ પોઇન્ટ ઉછળ્યો હતો. જ્યારે આજે ત્યાં પ્રોજેક્શનમાં સાંજે ભાવ ૩૦થી ૩૫ પોઇન્ટ નરમ રહ્યા હતા.
અમેરિકામાં શિકાગો બજારમાં આજે સાંજે પ્રોજેક્શનમાં સોયાખોળનો વાયદો ૧૭ પોઇન્ટ તથા સોયાબીનનો વાયદો ૩૪ પોઇન્ટ નરમ બોલાઇ રહ્યાના વાવડ હતા. ઘરઆંગણે સોયાતેલનો વાયદો સાંજે રૂા. ૫/૬૦ તથા રૂા. ૭/૨૦ નીચો બોલાઇ રહ્યો હતો જ્યારે ક્રૂડ પામ ઓઇલ સીપીઓનો વાયદો સાંજે રૂા. ૪/૬૦થી ૬/૯૦ નીચો રહ્યાના વાવડ હતા, એરંડા વાયદા બજારમાં આજે નોંધપાત્ર ઘટાડા વચ્ચે સાંજે ભાવ રૂા. ૧૩૦થી ૧૪૦ ગબડયાના સમાચાર હતાં.
દરમિયાન, મુંબઇ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂા. ૯૯૫ વાળા રૂા. ૯૯૦ રહ્યા હતા જ્યારે રાજકોટ બાજુ ભાવ રૂા. ૧૪૦થી ૯૫૦ તથા ૧૫ કિલોના ભાવ રૂા. ૧૫૨૦થી ૧૫૩૦ રહ્યાના નિર્દેશો હતાં. સિંગદાણામાં વિવિધ ઉત્પાદક મથકોએ ઉંચા મથાળે નવી નિકાસ માગ ધીમી પડયાના સમાચાર હતા. નવા ઉનાળુ પાકની આવકો આગળ ઉપર મે મહિનામાં કેવી આવે છે તેના પર હવે બજારના ખેલાડીઓની નજર રહી છે. દરમિયાન, રાજકોટ બાજુ કોટન વોશ્ડના ભાવ રૂા. ૭૦૫થી ૭૦૮ રહ્યા હતા જ્યારે મુંબઇ બજારમાં આજે કપાસીયા તેલના ભાવ રૂા. ૭૫૦ બોલાતા હતા.
સોયાતેલના ભાવ નિગમના રૂા. ૬૯૫ તથા રિફાઇન્ડના ભાવ રૂા. ૭૩૫ રહ્યા હતા જ્યારે સનફ્લાવરના ભાવ રૂા. ૭૧૦ તથા રિફાઇન્ડના રૂા. ૭૬૫ વાળા રૂા. ૭૬૦ રહ્યા હતા. પામતેલના ભાવ હવાલા રિસેલના રૂા. ૬૧૫ વાળા રૂા. ૬૧૧ જ્યારે જેએનપીટીના રૂા. ૬૧૧ વાળા રૂા. ૬૦૮ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ રૂા. ૭૫૫ રહ્યા હતા. સીપીઓ કંડલાના ભાવ રૂા. ૫૩૫ વાળા રૂા. ૫૩૪ રહ્યા હતા.
દરમિયાન, દિવેલના ભાવ આજે હાજરમાં ઉંચા મથાળેથી ઝડપી ગબડી ૧૦ કિલોના કોમોશિયલના રૂા. ૧૧૭૪, એફએસજીના રૂા. ૧૧૮૪ તથા એફએસજી કંડલાના રૂા. ૧૧૬૪ બોલાયા હતા જ્યારે મુંબઇ હાજર એરંડાના ભાવ રૂા. ૫૮૬૫ વાળા રૂા. ૫૭૨૦ બોલાયા હતા. મુંબઇ ખોળ બજારમાં આજે એરંડા ખોળના ભાવ જો કે ટનના રૂા. ૫૩૦૦ વાળા રૂા. ૫૩૫૦ રહ્યા હતા જ્યારે અન્ય ખોળો શાંત રહ્યા હતાં.
મગફળીની આવકો ગોંડલ બાજુ આજે સવારે આશરે સાત હજાર ગુણી તથા રાજકોટ બાજુ આશરે છ હજાર ગુણી નોંધાઇ હતી તથા મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના જાતવાર રૂા. ૮૨૫થી ૮૫૦ તથા ઉંચામાં ભાવ રૂા. ૯૩૦થી ૯૪૦ રહ્યાના સમાચાર હતા. વિશ્વ બજારમાં સન ફ્લાવરના ભાવ ઉંચેથી નીચા ઉતરી સીઆઇએફ ધોરણે કાચા તેલના વિવિધ ડિલીવરીના ૭૨૦થી ૭૨૫ ડોલર રહ્યાના સમાચાર હતા. દરમિયાન મલેશિયા ખાતે પામતેલનું કુલ ઉત્પાદન ચાલુ મહિનાના પ્રથમ ૨૫ દિવસમાં આશરે ૩થી ૪ ટકા વધ્યાના વાવડ હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UXrQm0
via Latest Gujarati News
0 Comments